નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરો અને અસામાજિક તત્વો વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત સઘન કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક નિયમિત તપાસ અભિયાનમાં 21 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યાં હતા.જેમાં પુરુષો, સ્ત્રીઓ તેમજ નાની વયના બાળકો પણ સામેલ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બનિહાલ ખાતે વાહનો અને મુસાફરોની ચકાસણી ચાલી રહી હતી તે દરમિયાન આ તમામ લોકોને રોકવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન એ હકીકત સામે આવી હતી કે પકડાયેલા કોઈપણ શખ્સ પાસે ભારતમાં પ્રવેશવા કે અહીં રહેવા માટેના કોઈ જ કાયદેસરના પુરાવા કે અધિકૃત કાગળો નહોતા. તેમની પાસે પાસપોર્ટ, વિઝા કે અન્ય કોઈ માન્ય ઓળખ પત્ર ન મળતા તેમના ભારતમાં ગેરકાયદેસર પ્રવેશની પુષ્ટિ થઈ છે.
અસમ સરહદથી ટ્રેન મારફતે પહોંચ્યા જમ્મુ-કાશ્મીરપોલીસ સમક્ષ કરવામાં આવેલી પ્રારંભિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ ગેરકાયદેસર રીતે આસામની આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ભારતમાં દાખલ થયા હતા. આસામ પહોંચ્યા બાદ તેઓએ ટ્રેન દ્વારા લાંબી મુસાફરી કરી હતી અને કામની શોધમાં કાશ્મીર તરફ જઈ રહ્યા હતા. આ લોકો ન્યૂ જલપાઈગુડી, કટિહાર, બરોૌની, મુગલસરાય, લખનૌ, કાનપુર અને દિલ્હી જેવા પ્રમુખ રેલવે સ્ટેશનોથી થઈને જમ્મુ તવી સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી રોડ માર્ગે કાશ્મીર તરફ જઈ રહ્યા હતા.
-
બાંગ્લાદેશના સિલહટ જિલ્લા સાથે છે કનેક્શન
પોલીસ તપાસમાં એ વાત પણ સ્પષ્ટ થઈ છે કે કસ્ટડીમાં લેવાયેલા તમામ 21 વ્યક્તિઓ બાંગ્લાદેશના સિલહટ જિલ્લાના જુદા જુદા વિસ્તારોના રહેવાસી છે. પકડાયેલા લોકોમાં મુખ્યત્વે સિલહટના રાનીગંજ, સુનામગંજ, સૈદગાંવ અને સૈદપુર વિસ્તારના નાગરિકો સામેલ છે. સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ હવે એ દિશામાં ગંભીરતાથી તપાસ કરી રહી છે કે આ લોકોએ ભારતીય સરહદમાં પ્રવેશવા માટે કયા ચોક્કસ રસ્તાનો ઉપયોગ કર્યો હતો અને આ ગેરકાયદેસર ઘૂસણખોરીમાં સ્થાનિક સ્તરે તેમને કોણે મદદ પહોંચાડી હતી. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સહયોગીઓની માહિતી મેળવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે.
પોલીસે ઈમરાન અહમદ(ઉ.વ. 18), મુસ્તકીમ અહમદ (ઉ.વ. 15), શુહાગ અહમદ (ઉ.વ. 17), રુબિયા બેગમ (ઉ.વ. 22), ઝહીર અહમદ (ઉ.વ. 3), ઝરીન અહેમદ (ઉ.વ. 7), લીઝા બેગમ (ઉ.વ. 20), ફાતિમા (ઉ.વ. 6), મોહમ્મદ ફહીમ (ઉ.વ. 2), અકલીમા બેગમ (ઉ.વ. 18)ની અટકાયત કરી છે.

