Site icon Revoi.in

ગુજરાતના 21 રેલવે સ્ટેશનની કરાશે કાયાપલટ, સ્ટેશનોના પુનઃ નિર્માણ માટે 845 કરોડનો ખર્ચ કરાશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 508 રેલવે સ્ટેશનોના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશના 508 રેલવે સ્ટેશનોનો 24 હજાર કરોડના ખર્ચે પુનઃનિર્માણનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાતનાં 21 રેલવે સ્ટેશનોનું પણ 845 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરાશે. રવિવારે પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે તમામ 23 રેલવે સ્ટેશનો ખાતે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશનનો વર્લ્ડ ક્લાસ વિકાસ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. મુસાફરોની સુવિધાઓ માટે સ્વચ્છ અને આધુનિક સુવિધાઓ સાથેના રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશન પસંદ કરવામાં આવ્યા જેમાંથી 21 રેલવે સ્ટેશનનાં કામોનો શિલાન્યાસ કરાયો છે.

મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું કે, ગુજરાતમાં રેલવે સેવાઓના વિસ્તરણ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ માટે 30,800 કરોડનાં કામો ચાલી રહ્યા છે અને 2023-24ના બજેટમાં વિક્રમ જનક 8332 કરોડના આવા કામો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યાં છે. ભારતમાં નિર્મિત એવી મેઇક ઇન ઇન્ડિયા 25 વંદે ભારત ટ્રેન દેશને વડાપ્રધાનને આપી છે, તેમાં 2 ગુજરાતને મળી છે. એટલું જ નહીં, પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરી પણ પ્રગતિમાં છે.

ગુજરાતના 21 રેલવે સ્ટેશનનોના રિડેવલોપમેન્ટ થશે. જેમાં રાજકોટ ડિવિઝનના 2, અમદાવાદ ડિવિઝનના 9, ભાવનગર ડિવિઝનના 3, વડોદરા ડિવિઝનના 6 સ્ટેશનો તેમજ મુંબઈના 1 અને રતલામના 2 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ પંચાલ, સાંસદ કિરીટ સોલંકી, હસમુખ પટેલ, મેયર કિરીટ પરમાર સહિત ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ રેલવે ડિવિઝનલ મેનેજર સુધીર શર્મા સહિત રેલવેના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.