Site icon Revoi.in

21મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, કચ્છમાં 5 લાખ લોકો યોગ કરશે, 7 સ્થળ પસંદ કરાયા

Social Share

ભુજ :  માનવજાતને આરોગ્ય અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા સમગ્ર વિશ્વમાં 21 જૂનના દિનને આંતરરાષ્ટ્રીય યોગદિન ઊજવવામાં આવે છે. ગુજરાતભરમાં યોગ દિનને મનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં કચ્છના જુદા-જુદા સાત સ્થળે એક સાથે પાંચ લાખ લોકો યોગ કરશે. જેના માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભાઇ હોવાનું કલેક્ટર પ્રવીણા ડી.કે.એ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પસંદ કરવામાં આવ્યાં છે, કચ્છમાં સાત જગ્યાએ સામૂહિક યોગ કરાવવામાં આવશે. જેમાં 21મીએ સવારે 7 વાગ્યાથી 45 મિનિટના યોગનું  ધોરડો, ધોળાવીરા, માંડવી બીચ, વિજય વિલાસ તથા એક-બે જગ્યાએ, લખપત ગુરુદ્વારા, ભુજમાં પ્રાગમહેલ, મુંદરા પોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાનો સૌથી મોટો યોગ કાર્યક્રમ ધોરડો ખાતે યોજાશે, જેમાં અંદાજે 3 હજાર લોકો ભાગ લેશે.  વર્ષ 2015થી યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21મીએ આઠમો યોગ દિવસ ઊજવાવા જઇ રહ્યા છીએ ત્યારે `માનવતા માટે યોગ’ આ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયત કક્ષાએથી પણ યોગદિનની ઉજવણી થવાની છે. શહેરોમાં નગરપાલિકા, કોલેજ, યુનિવર્સિટી, આઇ.ટી.આઇ., જેલ, પોલીસ હેડકવાટરથી માંડી ગ્રામ્ય કક્ષાએ 1882 પ્રાથમિક શાળા, 483 માધ્યમિક શાળા, 523 આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત આ તમામ સ્થળે અંદાજે પાંચ લાખ લોકો સૂર્ય નમસ્કારથી માંડી કપાલભાતિ જેવા યોગ કરશે. કચ્છના કુલ્લ 3900 સ્થળે આયોજન કરવામાં આવ્યું છે અને ધોરડોમાં વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન અને ધોળાવીરામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ યોગનો પ્રારંભ કરાવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાઇવ સંબોધન કરશે. કચ્છમાં અગાઉ કેટલા નાગરિકો જોડાયા હતા એ સવાલ સામે કલેક્ટરે જણાવ્યું હતું કે, 2019માં 3.27 લાખ હતા અને હવે 2022માં 21 જૂને પાંચ લાખ કચ્છીઓને યોગ કરાવવામાં આવશે. ધોરડો ખાતે 3 હજાર લોકોને લઇ જવાની વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી કરવામાં આવી છે. એસ.ટી.ની બસ વગેરેના વાહનો હશે. આ માટે ભુજના પ્રાંત અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. કોઇ પણ આવવાના હોય તો પ્રાંત અધિકારીનો સંપર્ક કરી શકે છે. વહેલી સવારે 4 વાગ્યે વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે અને જાહેર જનતા માટે આ યોગ કાર્યક્રમ ખુલ્લો રાખવામાં આવ્યો છે. યોગ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા યોગ ઇન્સ્ટ્રક્ટર યોગ કરાવશે. આ માટે યોગ મેટ સાથે લઇ આવવાની રહેશે. અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશની પ્રાચીન પદ્ધતિ યોગ છે અને આ યોગ દ્વારા દરેક વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે એટલે આ વખતે ગામડાના લોકોને ગ્રામ પંચાયત દ્વારા યોગમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’