Site icon Revoi.in

બિહારના નાલંદામાં લઠ્ઠાકાંડઃ 3 વ્યક્તિઓના મોત

Social Share

દિલ્હીઃ બિહારના નલંદામાં શંકાસ્પદ હાલતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયાં હતા. આ ત્રણેય વ્યક્તિઓના ઝેરી દારૂ પીધા બાદ મૃત્યુ થયાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓની હાલત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ ઉપર દોડી ગયેલી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર નાલંદા જિલ્લાના સોહસરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના છોટી પહાડી પહાડ તળિયાના મોહલ્લામાં એક સાથે ત્રણ લોકોના શંકાસ્પદ હાલતમાં મોત થયા છે જ્યારે 3 લોકોની ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાં 55 વર્ષીય ભગો મિસ્ત્રી, 55 વર્ષીય મન્ના મિસ્ત્રી અને 50 વર્ષીય ધર્મેન્દ્ર ઉર્ફે નાગેશ્વરનો સમાવેશ થાય છે. તમામ મૃતકોના સંબંધીઓના જણાવ્યા અનુસાર દારૂ પીધા બાદ તેમની તબિયત લથડી હતી. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતકોના પરિવારજનો પાસેથી ઘટનાને લઈને માહિતી મેળવી હતી. જો કે, અત્યાર સુધી ઝેરી દારૂ પીવાથી મૃત્યુની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ સ્થાનિક લોકો પણ નજીકના વિસ્તારમાં દારૂ બનાવવાની વાત કરી રહ્યા છે. તે જ સમયે, માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હરગવા ગામમાં દારૂ પીને બે લોકોના મોતની ચર્ચા વહેતી થઈ છે.