Site icon Revoi.in

અમદાવાદ સિવિલ હોસ્પિટલના વધુ 3 તબીબો કોરોના સંક્રમણનો ભોગ બન્યા

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રોજબરોજ કેસ વધી રહ્યા છે. ત્યારે શુક્રવારે સિવિલ હોસ્પિટલના વધુ 3 ડોક્ટરો તેમજ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના પીઆરઓ કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલના અન્ય કર્મીઓમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં એક ડોક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યારે બાકીના ડોક્ટર અને કર્મચારીને હોમ આઈસોલેશનમાં રખાયા છે. આજે નવા ચાર કેસ નોંધાતા ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલના 9 ડોક્ટરો અને એક કર્મચારી મળીને 10 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ એસવીપી અને અન્ય મ્યુનિ. હોસ્પિટલમાં અનેક દર્દી સારવાર હેઠળ છે.

શહેરના સાબરમતીના રિવરફ્રન્ટ પર યોજાયેલી ધર્મસભામાં હાજર વધુ એક ભાજપના કોર્પોરેટર અને લીગલ કમિટીના ડે. ચેરમેન ઉમંગ નાયક કોરોના પોઝિટિવ આવ્યા છે. ધર્મસભામાં હાજર ભાજપના અનેક મહાનુભાવો કોરોના પોઝિટિવ આવ્યા બાદ  મ્યુનિ.ના અનેક પદાધિકારીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં, મોટાભાગના પદાધિકારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે ખાડિયાના કોર્પોરેટર અને લીગલ કમિટીના ડે.ચેરમેન ઉમંગ નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમણે સારવાર શરૂ કરી છે. તેમને તાવ આવતાં તેમણે ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ આવતાં હાલ હોમ આઇસોલેશનમાં રહ્યા છે. ધર્મસભાના કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમિત શાહ અને અન્ય પદાધિકારીઓ સાથે સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવી લેવાની અમિત શાહની અપીલને પગલે મ્યુનિ.ના મોટાભાગના ચેરમેને કોરોના ટેસ્ટ કરાવી લીધા હતા. જોકે મોટાભાગના પદાધિકારીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.