Site icon Revoi.in

અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે 300 સ્ટેશન જનભાગીદારીથી બનાવાશે

Social Share

અમદાવાદ:  પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. સરકાર પણ પ્રદુષણ ઘટાડવા ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રિકલ વાહન પબ્લિક ચાર્જિંગ માળખાગત સુવિધા 2021 પોલીસી તૈયારી કરી છે. જેમાં કોર્પોરેશન દ્વારા પ્રાથમિક તબક્કામાં શહેરમાં 300 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ માટે PPP ધોરણે વિકાસ કારવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  પબ્લિક ચાર્જિંગ માળખાગત સુવિધા 2021 પોલીસીમાં પાંચ વર્ષ માટે ચાર્જિંગ સ્ટેશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત ભવિષ્યમાં બનનારા ફ્લેટ અને કોમર્શિયલ મકાનોમાં પાર્કિંગની સુવિધા ઈલેક્ટ્રિક વાહનો માટે સજ્જ હોય તે માટે જીડીસીઆરમાં સુધારો કરાશે. એટલું જ નહીં, ચાર્જિંગ સ્ટેશન માટે કોર્પોરેશન દ્વારા ટોકન ભાડે પણ ફાળવવામાં આવશે. પીપીપી ધોરણે પ્રથમ તબક્કામાં 5 વર્ષ માટે ચાર્જિંગ સ્ટેશન આપવામાં આવશે. ચાર્જિંગ સ્ચેશન માટે કોર્પોરેશન પ્રતિ ચોરસ મીટર 1 રૂપિયાના ટોકન ભાડે જગ્યા આપશે.
ચાર્જિંગ સ્ટેશન માટે જેટલી જગ્યાનો ઉપયોગ થાય તેમને 3 વર્ષ પ્રોપર્ટી ટેક્સ, સંલગ્ન ટેક્સમાંથી મુક્તિ મળશે.
કોર્પોરેશનની જગ્યામાં ચાર્જિંગ સ્ટેશન  હશે તો 3 વર્ષ પછી આવકમાંથી 10 ટકા રકમ આપવી પડશે.

મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ વધુમાં જમાવ્યુ હતું કે, ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહયોગ આપશે. તેમજ ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની અગત્યાને જોતા અને કામગીરી ઝડપથી થાય તે માટે સિનીયર કક્ષાના અધિકારીની અધ્યક્ષતા હેઠળ કાયમી સાર્વજનિક ઈવી ચાર્જિંગ ઈન્ફ્રા પ્રોત્સાહન મેનેજમેન્ટ સેલ બનાવવામાં આવશે. જે અરજીઓની તપાસ માટે સિંગલ વિન્ડોથી કામગીરી કરશે. ઉપરાંત ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાનોના તમામ લોકેશનની GPS મેપ પર યાદી તૈયાર કરીને કોર્પોરેશનની વેબસાઈટ અને એપ પર ઉપબલ્ધ કરાવશે.