Site icon Revoi.in

ડિપ્લોમા ઈજનેરીમાં પ્રથમ રાઉન્ડમાં 33717 વિદ્યાર્થીઓને પ્રવેશ, હજુ 27308 બેઠકો ખાલી

Social Share

અમદાવાદ  :  ધો.10 પછી ડિપ્લોમા ’ઇજનેરીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. પહેલાં રાઉન્ડમાં કુલ 33717 વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આગામી 17મી જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના આપવામાં આવી છે. ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા 22મી જૂન સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ મેરીટ અને પસંદગી મુજબ કોલેજોની ફાળવણી કરવામાં આવી છે.

પ્રવેશ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે,  ધોરણ 10 પછીના ડિપ્લોમાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગત જુન મહિનામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 44553 વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેરિટમાં 43762 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કરવા આપેલી સૂચના બાદ 37362 વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરી હતી. સમિતિ દ્વારા પહેલાં રાઉન્ડમાં 33717 વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે હાલમાં 31 સરકારી કોલેજોમાં 20698 બેઠકો ઉપલબ્ધ છે. આ જ રીતે 5 ગ્રાન્ટેડ કોલેજોમાં 1515 અને 111 સ્વનિર્ભર ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં 35061 બેઠકો મળીને કુલ 59274 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. કોલેજ ફાળવણીમાં સરકારી અને ગ્રાન્ટેડ ડિપ્લોમા ઇજનેરી કોલેજોની અંદાજે 22 હજાર બેઠકો પૈકી 87 ટકા બેઠકો ભરાઇ ગઇ છે. ગત વર્ષે માત્ર 69 ટકા બેઠકો ભરાઇ હતી. આમ, ગત વર્ષ કરતાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 18 ટકા બેઠકો વધારે ભરાઇ છે. પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ આપેલી ઓછી ચોઇસ અને મેરિટના કારણે અનેક વિદ્યાર્થીઓનો કોલેજની ફાળવણી થઇ શકી નથી. હાલની સ્થિતિમાં સરકારી અને અનુદાનિત કોલેજોની 2827 બેઠકો અને સ્વનિર્ભર કોલેજોની 24481 બેઠકો ખાલી પડી છે. બન્ને મળીને કુલ 27308 બેઠકો ખાલી પડી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને ફી ભરવા માટે આગામી 17મી જુલાઇ સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે. પહેલાં રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકો માટે આગામી દિવસોમાં બીજા રાઉન્ડ માટેની જાહેરાત કરવામાં આવશે. પહેલાં રાઉન્ડમાં સિવિલ અને પ્લાસ્ટિક જેવી બ્રાન્ચમાં વિદ્યાર્થીઓએ પ્રવેશની ઓછી પસંદગી આપી હોવાનું પણ બહાર આવ્યું છે. બીજીબાજુ કેમિકલ ઇજનેરી સૌથી વધુ એટલે કે 100 ટકા બેઠકો ફુલ થઇ ચૂકી છે.

Exit mobile version