Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના 34 કેસ, ત્રણ દિવસમાં NIDના 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા,

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં 56 દિવસ બાદ રવિવારે 37 નવા કેસ નોંધાયા છે અને 15 દર્દી સાજા થયા છે. અગાઉ 13 માર્ચે 37 નવા કેસ હતા. આજે અમદાવાદ શહેરમાં 34 અને જિલ્લામાં 1 એમ કુલ 35 નવા કેસ નોંધાયા છે. એ સિવાય વડોદરા શહેર અને જામનગર શહેરમાં 1-1 એમ રાજ્યમાં કુલ 37 કેસ નોંધાયા છે. તો આજે 32 જિલ્લા અને 5 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 99.09 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં એનઆઈડીના 24 વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ દિવસમાં કોરોના સંક્રમિત બન્યા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એનઆડી કેમ્પસને માઈક્રો કન્ટેમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજયમાં ફરી એકવાર કોરોના વકર્યો હોય તેમ લાગે છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધ્યા છે. પાલડી NID કેમ્પસમાં 3 દિવસમાં કુલ 24 વિદ્યાર્થીઓ કોરોનાં પોઝિટિવ આવ્યા છે. કોરોનાના કેસો આવતા પાલડી NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં આ કેસો નોંધાયા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ. જેમાં 6 મેના રોજ પહેલો કેસ NID કેમ્પસમાં નોંધાયો હતો, આ બાદ  શનિવારે 7 કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારે 16 કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓને હાલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. જે કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ છે તેમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના અને કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓ છે. હાલમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની વિદેશની અથવા કોઈપણ અન્ય ટ્રાવેલ હિસ્ટ્રી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી હતી. આ દરમિયાન અમદાવાદમાં 20મી જાન્યુઆરીના રોજ સૌથી વધુ 9958 કેસ નોંધાયા હતા. જોકે ત્યાર બાદ ક્રમશઃ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારે પણ અમદાવાદમાં કોરોનાના 34 નવા કેસ નોંધાયા હતા.

Exit mobile version