Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીના તોડફોડના કેસમાં 34 વર્ષે ચુકાદો, 50 વિદ્યાર્થીઓનો નિર્દોષ છૂટકારો

Social Share

અમદાવાદ: અદાલતોમાં કેસનો એટલો બધો ભરાવો થયો છે, કે ચુકાદો આવતા ક્યારેક વર્ષો લાગી જતા હોય છે. વર્ષ 1988માં ગુજરાત યુનિવર્સિટીમાં ધરણા યોજી કુલપતિની ઓફિસની બહાર તોડફોડ કરવાના એક કેસમાં એલડી એન્જિનિયરિંગ કોલેજના 50 વિદ્યાર્થીઓ 34 વર્ષે નિર્દોષ છૂટકારો થયો છે. નવાઈની વાત એ છે કે આ કેસમાં વિદ્યાર્થીઓ સામે ગવાહ તરીકે માત્ર એક પોલીસ કોન્સ્ટેબલ હતા. જોકે, કોર્ટમાં જુબાની આપતા તેમણે એવું કહ્યું હતું કે 1988માં તો તેઓ નોકરીએ લાગ્યા જ નહોતા, જેથી તેમને આ કેસ વિશે કોઈ માહિતી નથી. કોન્સ્ટેબલે એમ પણ જણાવ્યું હતું કે તેઓ સ્પેશિયલ બ્રાંચમાં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે, અને 1988માં તેઓ પોલીસ ખાતામાં હતા જ નહીં. કોન્સ્ટેબલની આ જુબાની બાદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.આર. દેસાઈએ રાયોટિંગ, ગેરકાયદે રીતે ભેગા થવું તેમજ જાહેર સંપત્તિને નુક્સાન પહોંચાડવાના 34 વર્ષથી પણ વધુ જૂના કેસના આરોપી એવા તમામ 50 લોકોને આરોપમાંથી મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની કચેરી સામે વર્ષ 1988ના વર્ષમાં એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના 50 જેટલાં વિદ્યાર્થીઓએ ઘરણા કરીને ઓફિસમાં કોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ  29 માર્ચ 1988ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. જેમાં 50 વિદ્યાર્થીઓ પર હિંસા આચરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 50 આરોપીમાંથી 20 એલડી એન્જિનિયરિંગની હોસ્ટેલમાં રહેતા હતા, જેમણે ધરણા દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ઓફિસની બહારની લોબીમાં તોડફોડ કરી હોવાની FIRમાં નોંધ કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી તેમની સામે કલમ 143, 147, 332, 427 હેઠળ ગુનો નોંધ્યો હતો. તમામ આરોપીઓનો ધરપકડ બાદ જામીન પર છૂટકારો થયો હતો. જોકે, ત્યારથી જ આ કેસમાં ખાસ કોઈ કાર્યવાહી નહોતી થઈ. કોર્ટે તેની ટ્રાયલ શરુ કરવાનું નક્કી કર્યું ત્યારે કોઈ આરોપીને રજૂ નહોતા કરી શકાયા. કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફથી એવું જણાવવામાં આવ્યું હતું કે આરોપીઓને તેમના સરનામે મોકલવામાં આવેલા સમન્સ રિટર્ન થયા છે. તેમના જામીન કરાવનારા લોકોનો પણ કોઈ અતોપતો ના હોવાનું કોર્ટને જણાવાયું હતું.
કોર્ટે આરોપીઓની ગેરહાજરીમાં જ કેસના પુરાવા રેકોર્ડ કરવાની કામગીરી શરુ કરી હતી. જોકે, ચાર્જશીટમાં જે પાંચ સાક્ષીના નામ દર્શાવાયા તેમાંના એકેય કોર્ટ સમક્ષ હાજર નહોતા થયા. એટલું જ નહીં, એકેય સાક્ષીના કોન્ટેક્ટ નંબર પણ ઉપલબ્ધ ના હોવાનું કોર્ટના ધ્યાન પર લવાયું હતું. આ કેસમાં એકમાત્ર સાક્ષી તરીકે કોન્સ્ટેબલ લકુમ હાજર થયા હતા. તે પણ પોલીસ કમિશનરને સમન્સ મોકલવામાં આવ્યું ત્યારે તેઓ કોર્ટમાં આવ્યા હતા. જોકે, તેમણે પણ કોર્ટમાં આવી 1988માં પોતે પોલીસ દળમાં હતા જ નહીં તેવું કહેતા કોર્ટે તમામ આરોપીને દોષમુક્ત કરી કેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.