Site icon Revoi.in

G-20 દેશોના 35 પ્રતિનિધિઓએ ગીર સફારી પાર્કની મુલાકાત લીધી

Social Share

અમદાવાદ: ભારત આ વર્ષે G-20 નું પ્રતિનિધિત્વ  કરી રહ્યું છે અને દેશ વિદેશના લોકો એના ભાગરૂપે ભારતની મુલાકાત લઇ રહ્યા છે એવામાં અનેક ફોરેન ડેલીગેટ્સ જે ભારતની મુલાકાતે આવ્યા હતા, તેમણે હાલમાં જ ગુજરાતના ગીર સફારી પાર્કની પણ મુલાકાત લીધી.

G-20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે વિહરતા સિંહો સહિતના અન્ય વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક વૈભવ નિહાળી અભીભૂત થયા હતા. સાથે જ તેઓ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતા. દીવ ખાતે સાયન્સ-૨૦ અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓર્પ્ચુનીટી ટુવાર્ડસ અચીવીંગ અ સસ્ટેનેબલ બ્લુ ઈકોનોમી બેઠકમાં સહભાગી થઈને ખાસ બસના માધ્યમથી દેવળીયા સફારી પાર્ક ખાતે પધારેલા G-20ના ૭૫ ડેલિગેટ્સમાં ટેકનોક્રેટ, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.

જેમાંથી G-20 દેશોના 35 પ્રતિનિધિઓએ પણ સિંહ દર્શન કર્યા હતા. આ દેવળીયા સફારી પાર્કના પ્રવાસ દરમિયાન સિંહ, દીપડા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓને નજીકના અંતરેથી નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. ઉપરાંત વન વિભાગના ગાઈડ દ્વારા એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત કરાવ્યા હતા. સાથે જ સિંહ તેમજ અન્ય જીવોની લાક્ષણિકતાઓ વિશે પણ જાણકારી આપી હતી. G-20ના આ ડેલિગેટ્સ આગમન વેળાએ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા સુતરની આટી અને પુષ્પ આપી સસ્નેહ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ સંદર્ભે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં નાયબ વન સંરક્ષક મોહન રામ, નિવાસી અધિક કલેકટર પી.જી. પટેલ, પ્રાંત અધિકારી નિશાબા ચુડાસમા સહિતના અધિકારીઓએ જરૂરી વ્યવસ્થાઓનું સંકલન સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

Exit mobile version