Site icon Revoi.in

ગુજરાતમાં 36 જળાશયો થયાં ઓવરફ્લો, સરદાર સરોવર નર્મદા ડેમ 50 ટકા ભરાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. અને તેના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં ચોમાસાના આગમનને હજી દોઢ મહિનો પણ થયો નથી. ત્યાં રાજ્યમાં સિઝનનો 54 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ગત વર્ષે 50 ટકા વરસાદ માટે સપ્ટેમ્બર મહિના સુધી રાહ જોવી પડી હતી. ગત વર્ષે 14 જુલાઈ સુધી સિઝનનો માત્ર 19.72 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં સામાન્ય રીતે જોઈએ તો ચોમાસા દરમિયાન સરેરાશ 33 ઈંચ જેટલો વરસાદ પડતો હોય છે. જેની સામે અત્યાર સુધીમાં 18 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. જૂન મહિનામાં 2.52 જ્યારે માત્ર જુલાઇ માસના 14 દિવસમાં 14.53 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પીવાના પાણીની ઘાત ટળી ગઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 50 ટકા ભરાયો છે. જ્યારે 36 ડેમ હાલમાં ઓવરફ્લો થવાથી હાઈએલર્ટ પર છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના 19 તાલુકા એવા છે જ્યાં મોસમનો 40 ઈંચ વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં નર્મદાના દેડિયાપાડા-નર્મદા, તાપીના ડોલવણ, સુરતના પલસાણા-ઉમરપાડા, નવસારીના ખેરગામ-નવસારી-વાંસદા, વલસાડના ધરમપુર-કપરાડા-પારડી-ઉમરગામ-વલસાડ-વાપી, ડાંગના આહવા-સુબિર-વઘઇનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં વરસાદનું પ્રમાણ સૌથી ઓછું 5.78 ઈંચ સાથે 20.40 ટકા છે. મહેસાણામાં 6.18 ઈંચ સાથે 22 ટકા, પાટણમાં 7 ઈંચ સાથે માત્ર 29 ટકા વરસાદ નોંધાયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા 36 ડેમ હાઈએલર્ટ પર છે. 80 ટકાથી વધુ ભરાયેલા 17 ડેમ એલર્ટ પર છે. જ્યારે 70 ટકાથી વધુ ભરાયેલા 14 ડેમ વોર્નિંગ પર છે. 139 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાતમાં 15.81 ટકા, મધ્ય ગુજરાતમાં 37.64 ટકા, દક્ષિણ ગુજરાતમાં 62.84 ટકા કચ્છમાં 66.45 ટકા, સૌરાષ્ટ્રમાં 51.55 ટકા, નર્મદામાં 49.77 ટકા પાણીનો જથ્થો છે. જેથી સમગ્ર ગુજરાતમાં સરેરાશ પાણીનો જથ્થો 50.92% છે. ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તથા ઉ.ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં વરસાદની સંભાવના છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 19 ટીમ તૈનાત છે અને 1 ટીમ રિઝર્વ રખાઇ છે. એસડીઆરએફની 22 પ્લાટુન અને એક ટીમ ડિપ્લોય કરાઇ છે. આ ટીમો દ્વારા 570 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 12 લોકોના મૃત્યુ થયા છે. 7 જુલાઇથી આજદિન સુધીમાં 43 મૃત્યુ નોંધાયા છે જ્યારે કુલ માનવ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે.