Site icon Revoi.in

રાજ્યના જળાશયોમાં 39 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ, 13 ડેમ ખાલી

Social Share

અમદાવાદઃ ગુજરાતના 206 જળાશયોમાં હાલ લગભગ 39.03 ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 47.52 ટકા જેટલું પાણી છું. રાજ્યના 206 જળાશયોમાંથી માત્ર 1 માં જળસ્તર 90 ટકાથી વધારે છે. જ્યારે 3 જળાશયમાં 70 ટકાથી 80 ટકા, લગભગ 202 જળાશયમાં 70 ટકાથી ઓછું જળસ્તર છે. રાજ્યના 13 જળાશયો ખાલી ખમ છે.

મોરબીના મચ્છુ-3 ડેમમાં હાલ 93.79 ટકા પાણીનો જથ્થો સંગ્રહ છે. મહીસાગરના વણાકબોરી, કચ્છના કાલાઘોડા, સુરેન્દ્રનગરના ધોળી ધજા, મોરબીના ઘોડોધ્રોઇમાં 70 ટકાથી વધારે પાણીનો સંગ્રહ છે. રાજ્યના 84 જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું છે. ગુજરાતમાં એક મહિના અગાઉ 5 મેના સરેરાશ 44.65 જળસંગ્રહ હતું. આમ, એક મહિનામાં પાંચ ટકા જળસંગ્રહ ઘટયો છે. દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સૌથી વધારે 39.18 ટકા અને સૌરાષ્ટ્રના જળાશયોમાં સૌથી ઓછો 19.06 ટકા જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયો 33 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયો 32.81 ટકા, કચ્છના 20 જળાશયો 26.67 ટકાનો જળસંગ્રહ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આગામી 16મી જૂનથી રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થશે. ચાલુ વર્ષે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયોમાં નવા પાણીની આવક થશે. રાજ્યના અનેક જળાશયો છલકાવાની શકયતા છે. આ ઉપરાંત જળસંચય માટે સરકાર દ્વારા તળાવો ઉંડા કરવા સહિતની કામગીરી કરવામાં આવી છે.