Site icon Revoi.in

ભૂસ્તર વિભાગે ડીસા નજીક રેતીની ચોરી કરતા 4 ડમ્પર પકડીને 10 લાખનો દંડ ફટકાર્યો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ આજે બુધવારે વહેલી સવારે ખાનગી ગાડીમાં ડીસા-ધાનેરા હાઇવે પર ડમ્પર ચેકિંગ  હાથ ધરવામાં આવ્યું હતું.  જે દરમિયાન ટીમે કંસારી પાસેથી પસાર થતા રેતી ભરેલા ચાર ડમ્પર રોકાવી રોયલ્ટી બાબતે તપાસ કરતાં ડમ્પર ચાલકો પાસે કોઈ પ્રકારની રોયલ્ટી મળી ન આવતાં, ભૂસ્તર વિભાગની ટીમે ચાર ડમ્પર કબ્જે કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો હતો. ડીસા પંથકના ખનીજચોરોની માથાભારેમાં ગણતરી થાય છે. અને જિલ્લા તંત્રના મેળપીપણામાં ખનીજચોરી થઈ રહી છે. ત્યારે કડક કાર્યવાહીની લોકો પણ અપેક્ષા રાખી રહ્યા છે.

અ અંગે ભૂસ્તર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી ગાડીના ચેકિંગની ખબર ખનીજચોર અવારનવાર રાખતા હોઇ અ ખાનગી ગાડીમાં  ટીમને વહેલી સવારે ચેકીંગ અર્થે મોકલી હતી, જે દરમિયાન ટીમે કંસારી પાસેથી રોયલ્ટી વગર પસાર થતાં ચાર ડમ્પર ઝડપી પાડ્યા હતા. જે ડમ્પરને કબ્જે લઇ રૂપિયા 10 લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

ભૂસ્તર વિભાગની ટીમ ખનીજ ચોરી ઝડપવામાં અવાર નવાર અનેક કીમિયા અજમાવીને પણ ખનીજ ચોરી ઝડપવામાં સફળ રહ્યા છે. જો કે આજે બુધવારે વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકિંગ કરાતાં ડમ્પર ઝડપાયા બાદ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. વહેલી સવારે ઝડપાયેલા ડમ્પરો RJ 04 GB 7661માં 33.17 ટન, RJ 16 GA 3538માં 32.11 ટન, RJ 46 GA 2347માં 32.92 ટન અને GJ 08 Z 5992માં 30.04 ટન રેતી હોવાનું વજન કરાવ્યા બાદ માલુમ પડ્યું હતું.

(file photo)