Site icon Revoi.in

ધ્રાગધ્રા બાયપાસ હાઈવે પર પૂરઝડપે કાર ડિવાઈડર કૂદીને ટેમ્પા સાથે અથડાતા 4નાં મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં વધુ એક અકસ્માત અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર સર્જાયો હતો. પૂર ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડરને કૂદીને સામેની સાઈડમાં ધસી જતાં તે દરમિયાન સામેથી આવતા આઈસર ટેમ્પા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવાનોના મોત નિપજ્યા હતા.

અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે ગુરૂવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લગ્નપ્રસંગ પૂર્ણ કરીને  ઘરે પરત ફરી રહેલા હળવદના યુવનોની  સ્વિફ્ટ કાર પલટી મારી ડિવાઈડર કુદાવી સામેની સાઈડ ઉપર જઈ રહેલા આઈસર સાથે અથડાઈ હતી. જેથી ચાર યુવકોનાં મોત થયાં છે. તેમજ 2 યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું એન્જિન બહાર નીકળીને 20 ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  હળવદ તાલુકાના ગોલાસણ ગામના છ યુવાનો ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્નપ્રસંગમાં ગયા હતા. જ્યાંથી રાત્રીના જમવા માટે હોટલમાં ગયા હતા.  ત્યાંથી પરત હળવદ પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં આવી રહેલા આઈસર સાથે અથડાતાં કારમાં બેઠેલા છ પૈકી ચાર યુવાનોનાં મોત થયાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું એન્જિન બહાર નીકળીને 20 ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.