Site icon Revoi.in

કચ્છના માંડવીના બીચ પર નહાવા ગયેલા 4 કિશોર ડૂબ્યા, બેના મોત, એક લાપત્તા, એકને બચાવી લેવાયો

Social Share

ભૂજઃ કચ્છના માંડવીના રમણીય બીચ પર દરિયાઈ મોજ માણવા માટે રોજબરોજ અનેક લોકો આવે છે.દરમિયાન રવિવારની રજા હોય મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. ત્યારે બપોરના સમયે ઉછળતા મોજામાં ચાર કિશોરો નહાવા પડ્યા હતા. ત્યારે દરિયાઈ મોજા ચાર કિશોરોને ખેંચી જતા તે ડૂબવા લાગ્યા હતા, તેથી બુમાબુમ થતાં સ્થાનિક લોકોએ કિશોરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે કિશોરના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. એક કિશોરને બચાવી લીધો હતો. જ્યારે એક કિશોર લાપતા થતા તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, માંડવી તાલુકાના વલ્લભનગર ખાતે રહેલા મન્સૂર રમઝાન સુમરા, ઓવેશ અબ્દુલ મેમણ અને અન્ય બે કિશોર માંડવી બીચ પર ફરવા માટે આવ્યા હતા. ચારેય કિશોર દરિયામાં નહાવાની મજા માણી રહ્યા હતા. ત્યારે જ દરિયાઈ લહેરમાં ચારેય તણાવા લાગ્યા હતા. જેથી બૂમાબૂમ થતા જ સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મન્સૂર, ઓવેશ અને અન્ય એક કિશોરને બહાર કાઢી લીધા હતા. મન્સૂર અને ઓવેશની હાલત ખરાબ હોય બંન્ને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ CPR આપી બંને કિશોરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, કમનસીબે બંનેના મૃત્યુ નિપજ્યા હતા. માંડવી શહેરમાંથી મન્સૂર અને ઓવેશની સાથે આવેલા અન્ય બે કિશોરમાંથી એકનો બચાવ થયો છે. જ્યારે અન્ય એક કિશોર દરિયાઈ લહેરોમાં તણાઈ ગયો હોય તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ કચ્છના માંડવીનો રમણીય બીચ પ્રવાસીઓના આકર્ષણ સમાન રહ્યો છે. અહીં વિકેન્ડમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. અને દરિયાકાંઠાની મજા માણતા હોય છે. ગયા રવિવારે પણ અહીં નહાવા પડેલા બે યુવકો ડૂબવા લાગ્યા હતા. જેમાં એક એન્જિનિયરનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ સતત બીજા રવિવારે અહીં ચાર કિશોર ડૂબ્યા હતા. જેમાં બેના મોત નિપજ્યા છે. જ્યારે એકનો બચાવ અને એક લાપતા થયો છે.