Site icon Revoi.in

દ્વારકામાં દરિયાની ભરતીને લીધે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં 40 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરાયું

Social Share

દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે  આવેલા પંચકૂઈ દર્શન માટે 40 જેટલા યાત્રાળુંઓ જઈ રહ્યા હતા. ત્યારે દરિયામાં ભરતીને કારણે ગોમતી નદીનો પ્રવાહ એકાએક વધી જતાં તમામ યાત્રાળુંઓ પાણીમાં ફસાયા હતા.આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્વરિત કામગીરી કરીને તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા.

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન પહેલાં ગોમતી સ્નાનનું અનેરું મહત્ત્વ છે અને ગોમતી નદીના સામે પાર આવેલા પંચકૂઈનાં દર્શન કરવા માટે યાત્રાળુંઓ જતા હોય છે. ગોમતી નદી પર આવેલા સુદામ સેતુ પાર કરી પંચકૂઈનાં દર્શન કરવા યાત્રિકો  પહેલા જતા હતા, પરંતુ મોરબી પુલ દુર્ઘટનાનો બનાવ બન્યા બાદ દ્વારકાના સુદામાસેતુને બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલે યાત્રાળુંઓને ગોમતી નદીના પાણીમાંથી પંચકૂઈ જવું પડે છે. ગુરૂવારે અમુક યાત્રિકો ગોમતી નદી પાર કરી પંચકૂઈનાં દર્શને જતાં હતા ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં યાત્રાળુઓ અટવાયા હતા. જે તમામને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

દ્વારકા ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, દરિયામાં ભરતી સમયે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં સામે કાંઠે 40થી વધુ લોકો ફસાયા હતા. સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા સ્થાનિક બોટ દ્વારા તમામ લોકોનું રેસ્કયુ કરાયું હતું. અવાર નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થઈ સામે કાંઠે જતાં હોય છે.  ફાયર વિભાગ તથા સ્થાનિક લોકોના સહયોગથી બોટ દ્વારા આ તમામ લોકોને બહાર કાઢી શકાયા હતા અને કોઈ જાનમાલની નુકસાની થઈ ન હતી. છેલ્લાં કેટલાંક વર્ષથી મોરબી પુલ દુર્ઘટના બનવાથી દ્વારકાના સુદામાસેતુને સજ્જડ બંધ કરી દેવાયો હતો. જેથી યાત્રિકો સામે કાંઠે આવેલા પંચકૂઈ તથા દરિયાની મોજ માણવાથી વંચિત રહે છે.