Site icon Revoi.in

પાવાગઢ તળેટીમાં ફાયરિંગની તાલીમ પુરી કરીને પરત ફરતા SRP જવાનોની બસ પલટી જતાં 45 ઘવાયા

Social Share

હાલોલઃ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક એસઆરપી જવાનોને લઈ જતી બસ અચાનક પલટી જતાં 45 જેટલા એસઆરપીના જવાનોને ઈજાઓ થતાં હાલોલની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ હનાવની જાણ થતાં પોલીસ અને 108 અમ્બ્યુલન્સ દોડી ગયા હતા. બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ સાઈડની કોતરમાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગની તાલિમ માટે આવેલી દાહોદના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ અચાનક પલટી ખાઈ જતાં 45 જેટલા જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ જવાનો પૈકી 04 જવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જવાનો ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે ગ્રુપના જવાનોની એક બસ ઢાળ ઊતરતાં બ્રેક ફેઇલ થઈ ગઈ હતી. 40થી વધુ જવાનો સાથે બસ બેકાબૂ બની કોતરમાં ઊતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 30થી વધારે જવાનોને ઇજાઓ પહોંચતાં તમામને અન્ય બસ અને 108 મારફત હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ ઇજાગ્રસ્ત 4 જવાનને વડોદરા ખસેડવામાં આવ્યા છે. ડોક્ટર્સ હાલ તમામ જવાનોને સારવાર આપી રહ્યા છે. અન્ય કોઈ જવાન ગંભીર ઇજાગ્રસ્ત હશે તો તેને પણ વડોદરા રિફર કરવામાં આવશે.