Site icon Revoi.in

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5000 ફ્લેટધારકો હપતા ભરતા નથી,

Social Share

અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં  મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલા મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ડ્રો કરી એલોટ કરવામાં આવ્યા હતા. છતાં પણ ત્રણ હપતા  ભર્યા નથી અને પઝેશન નથી લીધું તેવા તમામ 5 હજારથી વધુ મકાન માલિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. તમામ મકાન માલિકોને નોટિસ આપી અને પઝેશન લેવા માટે તેમજ હપતા ભરવા માટે જાણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે, કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે પણ મકાનો બનાવવામાં આવ્યા છે તેમાં જે પણ મકાન માલિકોએ પઝેશન નથી લીધા અને ત્રણ હપતા નથી ભર્યા એવા તમામ મકાન માલિકોને નોટિસ આપવામાં આવશે. 5 હજારથી વધુ મકાન માલિકોને નોટિસ આપવામાં આવશે. જે પણ મકાન માલિકને નોટિસ આપ્યા બાદ તેઓ હપતા ભરી દેશે તો તેઓની નોટિસ રદ ગણાશે. આ ઉપરાંત વાડજ વિસ્તારમાં નવું અત્યાધુનિક કરોડો રૂપિયાના ખર્ચે સ્મશાનગૃહ બની રહ્યું છે. જેની કામગીરી ધીમી ચાલી રહી છે તો ઝડપથી આ કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત પણ બેઠકમાં થઈ હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, શહેરમાં જ્યાં પણ મેટ્રોનું કામકાજ ચાલે છે તેવા રોડ રસ્તા પરના દબાણોને દૂર કરવા માટે જણાવ્યું છે. થલતેજ ગામ પાસે મેટ્રોનું કામ ચાલે છે. ત્યાં કેટલાક દબાણો છે અને રોડ ખૂલ્લો નથી જેના કારણે વાહનો અને લોકોને અવર-જવરમાં તકલીફ પડે છે. વસ્ત્રાલ ગામ પાસે પણ મેટ્રોનું કામ ચાલે છે. જેથી ત્યાં રસ્તો ખુલ્લો કરવા માટે જાણ કરી છે. શહેરમાં મેટ્રો રૂટ પર જ્યાં પણ રોડ રસ્તા તૂટી ગયા હતા તેમજ રીસરફેસ કરવાની જરૂર હતી ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ રીપેરીંગ કરવામાં આવ્યા હતાં. મેટ્રો દ્વારા આ તમામ રસ્તાઓને તાત્કાલિક ધોરણે રીપેર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને કહ્યું હતું અને બાદમાં તેઓ આ માટે રકમ ચૂકવવી આપશે તેમ જણાવ્યું હતું. પરંતુ આજ દિન સુધી મેટ્રોએ કોર્પોરેશનને પૈસાની ચુકવણી કરી નથી.