Site icon Revoi.in

ઉષ્ણતામાનમાં મોખરે રહેતા અમદાવાદમાં 3 વર્ષમાં 5000 વૃક્ષો કપાયાં, 12 લાખ રોપા વાવ્યાનો દાવો

Social Share

અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરમાં ઠંડક આપતા લીલાછમ વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. વિકાસના નામે છેલ્લા ત્રણ વર્ષમાં 5000થી વધુ  વૃક્ષોને જડમૂળમાંથી કાપવામાં આવ્યા છે. બીજીબાજુ શહેરમાં ગ્રીન કવર વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અને શહેરનો ગ્રીન કવર એરિયા 10 ટકા થયો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હોટ ચેમ્બર બની રહેલા શહેરમાં એક વર્ષમાં બગીચાઓના ડેવલપમેન્ટ તથા વિવિધ વિસ્તારમાં વૃક્ષોના પ્લાન્ટેશન કરવા પાછળ મ્યુનિ.ના બગીચા ખાતાએ રેવન્યુ અને કેપિટલ બજેટમાંથી 41.92 કરોડ તથા કોર્પોરેટરના બજેટમાંથી 2.29 કરોડ એમ કુલ મળીને 44.45 કરોડનો ખર્ચ કર્યો છે.એક વર્ષમાં તંત્રએ 12.82 લાખ રોપા રોપવા તેમજ મફતમાં રોપા વિતરણ કરવા પાછળ 7.39 કરોડનો ખર્ચ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરનો વર્ષ 2012માં કુલ ગ્રીન કવર એરિયા 4.66 ટકા હતો.જે વર્ષ 2021માં વધીને 10 ટકા સુધી પહોંચ્યો હોવાની તત્કાલીન મ્યુનિ.કમિશનરે જાહેરાત કરી હતી. વર્ષ 2020-21માં મ્યુનિ.દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 10.13 લાખ રોપા રોપવામાં આવ્યા હતા. વર્ષ 2021-22માં 13.40 લાખ રોપા રોપવાનો લક્ષ્યાંક હતો.જે સામે ફેબ્રુઆરી-2022 સુધીમાં બગીચા વિભાગે 12.82 લાખ રોપા રોપ્યા હતા. શહેરમાં કુલ 283 નાના મોટા બગીચા અને દસ અર્બન ફોરેસ્ટ આવેલા છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે માંગેલી માહિતીના જવાબમાં તંત્રેએ જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોડ પહોળા કરવા સહિતના અન્ય પ્રોજેકટ હેઠળ મ્યુનિ.તંત્રે વિવિધ વિસ્તારમાં આવેલા પાંચ હજાર જેટલા વૃક્ષો કાપ્યા છે. કપાયેલા વૃક્ષોના લાકડાના વેચાણ પેટે 19.52 લાખની આવક થવા પામી છે. શહેરને હરીયાળુ બનાવવા એક વર્ષમાં કોર્પોરેટરોના બજેટની ગ્રાન્ટ પૈકી 2.29 કરોડ, ધારાસભ્યોની ગ્રાન્ટ પૈકી 13.44 લાખ અને સંસદસભ્યોની ગ્રાન્ટમાંથી 40 લાખ એમ કુલ મળી 3.73 કરોડની રકમનો ખર્ચ બગીચા ડેવલપમેન્ટ તથા પ્લાન્ટેશન પાછળ કરવામાં આવ્યો છે

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં એક વર્ષમાં શહેરમાં પાંચ જુના અને નવ નવા એમ કુલ મળીને 14 ગાર્ડન ડેવલપ કરવા પાછળ કુલ 11.19 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.એક વર્ષમાં કોર્પોરેટરો,ધારાસભ્યોના કેપિટલ બજેટમાંથી શહેરના 188 પ્લોટ,વિવિધ બગીચાઓમાં 10.13 લાખ રોપા રોપાયા.જયારે મિશન મિલિયન ટ્રી અભિયાન હેઠળ 4.21 લાખ રોપા મફત વિતરણ કરવા પાછળ 3.32 કરોડનો ખર્ચ કરાયો છે. શહેરનાસોલા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા બગીચામાં છેલ્લા પંદર મહિનાથી વોટરકૂલર બંધ હાલતમાં છે.આ વોટર કૂલર ફરી શરુ કરવા મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને સ્થાનિક રહીશ રોહીત પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે છતાં કૂલર ચાલુ કરવામાં આવતુ નથી. (file photo)