Site icon Revoi.in

અંબાજી તળેટીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12મીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ગબ્બર શક્તિ પીઠ તળેટીમાં આકાર પામેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ઉજવણી આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન કરાશે.  જેની તૈયારી અને આયોજનના ભાગરૂપે અંબાજીમાં એક બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર અને દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં અંબાજીના સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર શક્તિપીઠ ખાતે આગામી તા.12મી થી 16મી ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસીય ગબ્બર શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ઊજવાશે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે યોજાનારા ધાર્મિક ઉત્સવમાં દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે. ગીરનારની લીલી પરિક્રમાની જેમ યોજાનારા ગબ્બર તળેટી 51 શક્તિ પીઠ પરિક્રમા પણ માઈભક્તો માટે ભારે શ્રદ્ધાનો વિષય બની રહેશે. પરિક્રમા મહોત્સવ દરમિયાન યાત્રાધામ અંબાજી સહિત ગબ્બર તળેટી અને અરવલ્લીનીગીરી શૃંખલા માં શક્તિના નિનાદથી ગુંજી ઉઠશે. પાંચ દિવસીય ઓચ્છવમાં માતાજીની શોભાયાત્રા, મહા શક્તિ યાગ, આનંદ ગરબાની અખંડ ધૂન, ચામર યાત્રા, પાદુકા યાત્રા, ભજન સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભારતનો મોટો લાઈટ એન્ડ સાઉન્ડ શો ભાવિકો માટે આકર્ષણનુ કેન્દ્ર બનશે. મહોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સુખ, સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા આગવું આયોજન અને તૈયારીઓ હાથ ધરી છે. જેના માટે વિવિધ 21 સમિતિઓની રચના કરવામાં આવી છે.  મહોત્સવના સફળ આયોજન માટે અંબાજી ખાતે જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ સહિત દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર તેમજ દાંતા પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી.