Site icon Revoi.in

GTU સંલગ્ન 6 ઈજનેરી કોલેજો ઈન્સ્પેક્શનમાં નાપાસ, હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન અડધો ડઝન જેટલી ઈજનેરી કોલેજો ઈન્સ્પેક્શનમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓ માટે નો એડમિશન ઝોનમાં મુકવામાં આવી છે. કાઉન્સિલના નિયમો મુજબ કોલેજોમાં જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચર, યોગ્યતા ધરાવતો શૈક્ષણિક સ્ટાફ સહિત સુવિધા જરૂરી છે. કોલેજ સંચાલકોને જરૂરી પૂર્તતા કરવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ કોલેજ સંચાલકોએ જીટીયુની સુચનાને અવગણતા 6 કોલેજો હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતુ. જેમાં 6 જેટલી કોલેજને જરૂરી સુવિધા ન હોવાને લીધે નો એડમિશન ઝોનમાં મુકવામાં આવી છે. જીટીયુ દ્વારા દર ત્રણ વર્ષે સંલગ્ન એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસીની કોલેજોનું ઓડિટ કરીને માન્યતા આપતી હોય છે. જોકે, ચાલુ વર્ષે યુનિવર્સિટી દ્વારા 175 જેટલી કોલેજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જે પૈકી 10 જેટલી કોલેજો એવી હતી કે જેમાં વિવિધ પ્રકારની ખામીઓ જોવા મળી હતી. 10 પૈકી 4 કોલેજોએ ખામીઓ દૂર કરતા તેમને માન્યતા આપી દેવામાં આવી હતી, પરંતુ 6 જેટલી કોલેજ હજુ એવી છે કે જેમને યુનિવર્સિટીના ધારા-ધોરણ, નીતિ-નિયમ પ્રમાણે જરૂરિયાત મૂજબ ઘટતી બાબતોની પૂર્ણતા કરી નથી. જેથી આ 6 કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકવામાં આવી છે. નો એડમિશન ઝોનની કોલેજમાં એક પણ વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો નથી. એટલે કે, આ છ કોલેજો પહેલા વર્ષથી ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરતી કાર્યરત નહીં રહે. જે 6 કોલેજોને નો એડમિશન ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં હિંમતનગરની વરસ સમર્થ કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, બોટાદની જે. એમ. સાબવા એન્જિનિયરિંગ કોલેજ, અમરેલીની શાંતાબેન હરિભાઈ ગજેરા એન્જિનિયરિંગ કોલેજ, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં બોટાદની જે.એમ સાબવા ડિપ્લોમા કોલેજ, અમરેલીના લાઠીની કે. કે. પરીખ મેનેજમેન્ટ કોલેજ અને હિંમતનગરની સમથ MCA કોલેજનો સમાવેશ થાય છે.

જીટીયુ દ્વારા દર ત્રણ વર્ષે કોલેજનું નિરીક્ષણ કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને મળતી સુવિધા, કોલેજનો સ્ટાફ, કોલેજના સ્ટાફની યોગ્યતા ઉપરાંત માળખાગત સુવિધા વગેરે જેવી બાબતોને ધ્યાને લેવામાં આવતી હોય છે. આ બાબતોને લઈને જો કોલેજ યોગ્ય હોય તો તેમને માન્યતા આપવામાં આવતી હોય છે અને કોલેજમાં વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં પ્રવેશ ફાળવવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. પરંતુ જો તેમ ન હોય તો તેને નો એડમિશન ઝોનમાં મૂકવામાં આવે છે. કુલ છ કોલેજમાં પહેલા વર્ષમાં પ્રવેશ ન થતાં કુલ 700 જેટલી બેઠકોમાં ઘટાડો થયો છે.