Site icon Revoi.in

ગુજરાત યુનિ. સંલગ્ન 6 ખાનગી સાયન્સ કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો કર્યો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજો પૈકી પાંચ સ્વનિર્ભર સાયન્સ કોલેજોએ ચાલુવર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવા નિર્ણય કર્યો છે. એટલે કે આ છ કોલેજોની અંદાજે 2500 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં નહી આવે. જેના કારણે હવે સાયન્સમાં માત્ર 23 કોલેજોની 8800 બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ, અગાઉથી ખાલી પડતી સાયન્સ કોલેજો માટે હવે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજોમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી રહી છે. પ્રથમ તબક્કામાં મોટાભાગની બેઠકો ફુલ થયા પછી મેડિકલ અને પેરા મેડિકલની પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ સાયન્સ કોલેજોની મોટાભાગની બેઠકો ખાલી થઇ જતી હોય છે. આ પ્રકારની સ્થિતિના કારણે ભૂતકાળમાં મેડિકલની પ્રવેશ પ્રક્રિયા પછી સાયન્સ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સીધા બીજા સેમેસ્ટરમાં પ્રવેશ આપીને પછી પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરાવવાની વિચારણા પણ જે તે સમયે શરૂ કરવામાં આવી હતી. જોકે, આ બાબતો પર કોઇ નિર્ણય કરવામાં ન આવ્યો નહોતો. ચાલુ વર્ષે સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે મેરિટલીસ્ટ જાહેર કર્યા પછી પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત હવે વિદ્યાર્થી પ્રથમ સેમેસ્ટરમાં જે વિષય પસંદ કરશે તે વિષય ત્રણ કે ચાર વર્ષ સુધી ભણવાનો રહેશે. વિદ્યાર્થીઓને નવી વ્યવસ્થાની જાણકારી માટે નવેસરથી રિશફલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.બીજીબાજુ ચાલુ વર્ષે છ ખાનગી સાયન્સ કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવા દરખાસ્ત કરી દીધી છે. સૂત્રો કહે છે કે, એક કોલેજ નવી યુનિવર્સિટીમાં સામેલ થતાં બંધ થઇ છે. જો બે સાયન્સ કોલેજોમાં રિનોવેશન ચાલતુ હોવાથી ચાલુવર્ષે પ્રવેશ નહી ફાળવવા દરખાસ્ત કરી છે. આજ રીતે અન્ય ત્રણ સ્વનિર્ભર કોલેજોએ પણ વિદ્યાર્થીઓને ચાલુવર્ષે પ્રવેશ ન આપવા દરખાસ્ત કરી છે. જેમાં અર્પણ સાયન્સ કોલેજ, જેએમડી સાયન્સ કોલેજ-ગાંધીનગર સી.યુ.શાહ સાયન્સ કોલેજ અને સી.યુ. શાહ સાયન્સ ઇન્સ્ટિટયુટ,  સ્વામિનારાયણ સાયન્સ કોલેજ, કલોક અને ખ્યાતિ સાયન્સ કોલેજનો સમાવેશ થાય છે.