Site icon Revoi.in

રાજ્યના 207 જળાશયમાં 74 ટકા પાણીનો સંગ્રહ, 64 ડેમ છલકાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે વરસેલા સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજયની જીવાદોરી સમાન સરકાર સરોવર ડેમ અત્યાર સુધીમાં 78 ટકા જેટલો ભરાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ 70 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જળાશયોમાં નવા પાણીની આવકને પગલે ઉનાળાના આકરી ગરમીના દિવસોમાં રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાવાની શકયતાઓ નહીંવત છે. એટલું જ નહીં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેવાની આશા વ્યક્ત થઈ રહી છે.

રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2.59 લાખ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 84 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 64 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 31 જળાશયો મળી કુલ 95 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 25 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 14 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.