Site icon Revoi.in

બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે વન વિભાગની 19 નર્સરીઓમાં 66 લાખ રોપાઓ ઉછેરાયા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારા વરસાદને કારણે વનરાજી ખીલી ઊઠી છે, જિલ્લાના વન વિભાગ દ્વારા વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. નાગરિકો, સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે. જિલ્લાને લીલોછમ્મ- હરિયાળો બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ પવિત્ર ઉપવન, પંચવટી, અર્બન ફોરેસ્ટ, વન કવચ જેવા મોડેલ થકી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી પર્યાવરણની સમૃધ્ધિ વધારવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા કુલ- 19 ખાતાકીય નર્સરીઓમાં 65.95 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે.

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જંગલ વિસ્તારની બહારના વિસ્તારમાં તેમજ ગામોમાં જ્યાં સમતલ વિસ્તારમાં ગૌચર, સરકારી ખરાબો અને સિંચાઇની સગવડ છે તેવા સ્થળોએ વનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ખેડૂત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ તળે વાવેતર તેમજ સહાય ચુકવવામાં આવે છે. વર્ષ- 2023-24 માં એસ મોડલ પટ્ટી વાવેતર, ગ્રામ વન પિયત અને બિન પિયત, હરીયાળા ગામ, ઇ- પર્યાવરણ મળી કુલ- 165 હેક્ટર વિસ્તારમાં ખાતાકીય વાવેતર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે વ્યક્તિલક્ષી યોજનાઓ હેઠળ એફ.એફ આર.ડી.એફ.એલ, વૃક્ષ ખેતી અને વ્યક્તિલક્ષી વાવેતર મળી કુલ- 915 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નમો વડ વિકસાવવાની કામગીરી અંતર્ગત જિલ્લામાં 4 નમો વડ વિકસાવવામાં આવ્યા છે. જેમાં દાંતા તાલુકામાં અંબાજી ખાતે સ્મૃતિ વન, અમીરગઢ ખાતે રોકડીયા હનુમાનજી મંદિર, વડગામ શેંભર ગોગ મહારાજ મંદિર અને દિયોદર ઓગડનાથ મંદિર પરિસરમાં નમો વડ વન વિકસવાયા છે. બનાસકાંઠા જિલ્લામાં મીયાવાકી પધ્ધતિથી 3 જગ્યાએ વન કવચ મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે.મીયાવાકી પધ્ધતિથી 10,000 રોપાઓનું વાવેતર કરવામાં આવે છે તેમજ વન કુટીર, પાથ વે સીટીંગ અને એન્ટ્રી ગેટ વગેરે કામગીરી કરી પ્રકૃતિ પ્રેમી આહલાદક સ્થળ બનાવવામાં આવે છે. અમીરગઢ તાલુકામાં આવેલ રાજપુરીયા નર્સરીની બાજુમાં, દાંતીવાડા બનાસ બાગ અને ડીસાના મહાદેવીયા ખાતે આવા વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે.