Site icon Revoi.in

શ્રીલંકાની જેમ દુનિયાના 69 દેશ વિવિધ સમસ્યાનો કરી રહ્યાં છે સામનો, અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

નવી દિલ્‍હી : ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. પડોશી પહેલો સંબંધી યોજના હેઠળ ભારત શ્રીલંકાને ઈંધણ અને જીવન જરૂરી ચીજવસ્તુઓની મદદ કરી રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડાર નહીં હોવાથી શ્રીલંકાનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે, પરંતુ દુનિયામાં એક માત્ર શ્રીલંકા નથી જે નાદાર થયું હોય. દુનિયાના લગભગ 69 જેટલા દેશો પણ નાદારી તરફ આગળ વધી રહ્યાં છે. આ 69 દેશો પૈકી મોટાભાગના દેશ વિકાસશીલ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વિશ્વ બેંકએ અહેવાલ રજૂ કર્યો છે જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. લેબનાન, પ્‍યુનેશિયા સહિત 24થી વધારે દેશ યુક્રેન સંકટ અને મોંઘવારીને કારણે કોમોડીટીમાં ભારે વધારો, બોન્‍ડમાં ઘટાડો, ફુડ અછત અને ભયાનક બેકારીનો સામનો કરી રહ્યાં છે. વર્લ્‍ડ બેંકના અહેવાલ અનુસાર 12 જેટલા દેશો આવતા 12 મહિનામાં વિદેશી દેવાનો હપ્‍તો ભરી શકે તેમ નથી. આ ઘણા વખત પછીની કટોકટી છે જેની અસર ભારત ઉપર પણ પડી શકે છે. યુનાઈટેડ નેશન્‍સ, વર્લ્‍ડ બેંક અને ઈન્‍ટરનેશનલ મોનેટરી ફંડના અધિકારીઓ વચ્‍ચે એવો અભિપ્રાય છે કે શ્રીલંકા માત્ર શરૂઆત છે. અન્‍ય ઘણા દેશો પણ આવી જ સ્‍થિતિનો સામનો કરી રહ્યા છે.

વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસે તાજેતરમાં કહ્યું હતું કે, કોરોના મહામારી, મોંઘવારી અને દેવાના બોજની અસરને કારણે ઘણી ઓછી અને મધ્‍યમ આવક ધરાવતા દેશો મુશ્‍કેલીમાં છે. યુક્રેન યુદ્ધના કારણે સર્જાયેલી પરિસ્‍થિતિએ તેમની સમસ્‍યાઓમાં વધારો કર્યો છે. માલપાસે કહ્યું- વિકાસશીલ દેશોની સ્‍થિતિને લઈને ખૂબ જ ચિંતિત છું. તેઓ ઉર્જા, ખાતરો અને ખાદ્યાન્નના ફુગાવામાં અચાનક વધારાનો સામનો કરી રહ્યા છે. તેઓ વ્‍યાજદરમાં વધારાની સંભાવનાનો પણ સામનો કરી રહ્યા છે. UN-સંલગ્ન એજન્‍સી UNCTADએ તાજેતરના અહેવાલમાં જણાવ્‍યું છે, કે વિશ્વમાં 107 દેશો એવા છે, જેઓ ખાદ્ય મોંઘવારી, ઇંધણ ફુગાવો અને નાણાકીય સંકટ જેવી એક યા બીજી સ્‍થિતિનો સામનો કરી રહ્યા છે. 69 દેશ આ ત્રણ સમસ્‍યાઓનો સામનો કરી રહી છે. આ 69 દેશોમાંથી 25 આફ્રિકામાં, 25 એશિયા-પેસિફિકમાં અને 19 લેટિન અમેરિકાના છે.

(PHOTO-FILE)