Site icon Revoi.in

ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં ફેક દસ્તાવેજો કરાશે તો 7 વર્ષની સજા, સરકારે કર્યો પરિપત્ર

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણમાં  ફેક દસ્તાવેજો દ્વારા છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સરકારે પરિપત્ર કરીને સબ રજિસ્ટ્રાર કચેરીઓને આ મામલે વધુ દરકાર રાખવા અને ખોટા દસ્તાવેજો સામે સાત વર્ષની સજાની જોગવાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સબ રજીસ્ટ્રારએ દસ્તાવેજ તૈયાર કરનારે બને પક્ષકાર ની ખરાઈ કરવાની રહશે, દસ્તાવેજ તૈયાર કરનારી એજન્સી કે વકીલે પોતાની ફોર્મ જોડાવાનું રહેશે. તેમજ દસ્તાવેજમાં મિલકતનું વર્ણન, દસ્તાવેજનો પ્રકાર, ખરીદ કિંમત,દસ્તાવેજ તૈયાર કરનારાનું નામ સરનામું સહિત ખાતરી પૂર્વકની બાહેધરી લખી આપવાની રહેશે. મૂળ માલિકના બદલે બોગસ વ્યક્તિ થકી દસ્તાવેજ થયો હશે તો દસ્તાવેજ તૈયાર કરનાર વ્યક્તિ પણ જવાબદાર બનશે.

રાજ્યમાં સબરજીસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજોમાં તાજેતરમાં મૂળ માલિકોને બદલે બેનામી વ્યક્તિઓને મિલ્કતનાં મૂળ માલિકો તરીકે રજુ કરી બોગસ દસ્તાવેજની નોંધણી થયાના કેસો પ્રકાશમાં આવ્યા છે. આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલ્કતના મૂળ માલિકોને ન્યાયિક પ્રકીયાના નિવારણ માટે ખુબજ નાણાં અને સમયનો વ્યય થાય છે. જેથી આવા બોગસ અને બનાવટી દસ્તાવેજોની નોંધણીના કિસ્સાઓ નિવારવા તેમજ નિર્દોષ વ્યકિતઓ આવા બોગસ વ્યવહારોના ભોગ ના બને તે સરકારે આજે નવો પરિપત્ર જાહેર કર્યો છે.

મહેસૂલ વિભાગના સંદર્ભ (1) વાળા પરિપત્ર મુજબ નોંધણી અધિનિયમ-૧૯૦૮માં દાખલ કરવામાં આવેલી નવી કલમ 32-એ અનુસાર કોઇપણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આંગળીની છાપ લેવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદીલીના લેખ સંબંધમાં દરેક લખી આપનારા અને લખાવી લેનારાની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા લગાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેના અનુસંધાને અત્રેથી સંદર્ભ (2) થી જરૂરી સુચનાઓ પ્રસિદ્ધ કરી હતી. આ સૂચનાઓમાં જરૂરી સુધારા કરવાના હેતુથી નવેસરથી સુચનાઓ આપવામાં આવે છે.નવા નિયમો સંદર્ભ (2) વાળા પરિપત્રની સુચનાઓ મુજબ (1) સ્થાવર મિલકતની તબદીલી સબંધી લેખોમાં લખી આપનારા અને લખાવી લેનારા એમ બન્ને પક્ષકારોના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તથા આંગળી/અંગુઠાની છાપ (ફિંગર પ્રિન્ટ) લગાવીને આ સાથેના નમૂના મુજબનું પરિશિષ્ટ તૈયાર કરીને પક્ષકારે લેખ/દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. દરેક સબરજીસ્ટ્રારે દસ્તાવેજ નોંધણી કરતી વખતે ફક્ત નવી ઉમેરેલી નમુનાની વિગતો ની ખાસ ચકાસણી કરવાની રહેશે. અને તે મુજબ સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી વપરાયેલ છે કે કેમ તે ચકાસણી કરવાની રહેશે.સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત દસ્તાવેજો અંગે સદર સુચનાઓનો અમલ તા.૦1/૦4/2024થી કરવાનો રહેશે.