Site icon Revoi.in

અમદાવાદની 700 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી એનઓસી નથીઃ હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

Social Share

અમદાવાદઃ હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે અમદાવાદ શહેરના ચીફ ફાયર ઓફિસરે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં અનેક હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હાઈરાઈઝ બિલ્ડીંગો પાસે ફાયર એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો હતો. એટલું જ નહીં શહેરની 151 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી નહીં હોવા મુદ્દે હાઈકોર્ટે મનપા તંત્રની ઝાટકણી કાઢી હતી. તેમજ આ 151 હોસ્પિટલ વિરૂદ્ધ તાત્કાલિક નોટિસ ઈશ્યુ કરવા મનપાને આદેશ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ચીફ ફાયર ઓફિસરે કરેલી એફિડેવીટ અનુસાર શહેરની 2200 પૈકી 700 હોસ્પિટલ, 2385 પૈકી 185 ટ્યૂશન ક્લાસ, 1200 હોટલ રેસ્ટોરન્ટ પૈકી 450માં ફાયર NOC નથી. આ ઉપરાંત 60 જેટલા મોલ અને કેટલીક હાઈરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન 151 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ નહીં હોવાનું સામે આવ્યું હતું. જેથી હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, આ હોસ્પિટલો સામે વિરૂદ્ધ તાત્કાલિક નોટિસ ઈશ્યુ કરો. તેમજ તા. 24મી ફેબ્રુઆરી સુધીમાં ફાયર સેફ્ટીનો અમલ કરવામાં ન આવે તો કાર્યવાહી કરવા પણ નિર્દેશ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ વ્યક્તિઓના મોત થયાં હતા. આ હોસ્પિટલમાં ફાયરસેફ્ટીનું એનઓસી એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ ગયું હતું. અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા રાજ્યભરમાં ફાયર એનઓસીને લઈને કામગીરી કરવામાં આવી હતી.