Site icon Revoi.in

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરનો 71મો પ્રાણ પ્રતિષ્ઠા દિન ઊજવાયો

Social Share

અમદાવાદઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા અને સમગ્ર વિશ્વનાં કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિરનો આજે 71મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સોમનાથમાં ઊજવાઇ રહ્યો છે. 1951ના વેશાખસુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે સવારે 9.46 મીનીટે સોમનાથ મંદિરનાં જીર્ણોધ્ધાર બાદ સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે એજ સમયે સોમનાથ ટ્રસ્ટ સ્થાનિક ભુદેવો સાથે યાત્રિકોએ ભગવાન સોમનાથની મહાપુજા અને આરતી કરી ધ્વજા પૂજન ધ્વજા રોહણ કર્યું હતુ. બાદ સોમનાથ મંદિરના સ્વપ્ન દ્રષ્ટા એવા સરદાર પટેલને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 71મો સ્થાપના દિન ઊજવોયો હતો.તા.11 મેં 1951, વૈશાખ શુક્લ પાંચમના દિને પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ દ્વારા ગર્ભગૃહનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમુદ્રમાં શણગારેલી બોટમાં રાખવામાં આવેલી 21 તોપની સલામી સાથે ભક્તોએ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સરદાર સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભુમિકા અદા કરનાર લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકાસાહેબ ગાડગીલ, મોરારજીભાઇ દેસાઇ, કનૈયાલાલ મુનશી સામેલ હતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શ્રાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ. અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ છે તે મુજબ આ મંદિર સુવર્ણ અને રત્નોથી જડિત હતું. મલેચ્છ મહંમદ ઘોરી દ્વારા લૂંટનાં ઈરાદાથી વારંવાર આક્રમણ કરી સોમનાથ મંદિરને લૂંટી અને ખંડિત કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલએ સોમનાથના નવનિર્માણનો સંકલ્પ કર્યો હતો.

પ્રાગ ઐતિહાસિક કાળમાં નિર્માણ પામેલું સોમનાથ મંદિર સાત વખત વિદેશી આક્રમણખોરો સામે લડીને ધ્વસ થઈને પુનઃ નિર્માણ બાદ આજે ભારતના ઇતિહાસમાં આજે પણ અજયે અને અડીખમ જોવા મળી રહ્યું છે. ઈસ્વીસન પહેલા સૈકામાં લકુવિસે પ્રથમ મંદિરના નિર્માણમાં બહુમૂલ્ય ભાગ ભજવ્યો હતો. સોમનાથ ખાતે આવેલા છઠ્ઠા મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયેલું હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ 1325 થી 1469ની વચ્ચે જૂનાગઢના રાખેંગારે મંદિરમાં લિંગનીની સ્થપના કરી ત્યાર બાદ 1469 માં અમદાવાદના સુલતાન મહમદ બેગડાએ મંદિર પર ચડાઈ કરીને મંદિરને ધ્વસ્ત કર્યું હતું. ત્યારબાદ 12 નવેમ્બરના 1947ના દિવસે સોમનાથ આવેલા ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલે સોમનાથ મંદિરની જીર્ણ હાલત જોઈને સમુદ્રના જળથી મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. 13 નવેમ્બર 1947ના દિવસે કનૈયાલાલ મુન્સીને મંદિર નિર્માણની જવાબદારી સોંપી હતી. ત્યાર બાદ ગાંધીજી દ્વારા આ મંદિરનું નિર્માણ લોકભાગીદારીથી કરવાનું સુચન આવતા સરદાર પટેલે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરીને 11મી મે 1951ના દિવસે દેશના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ ડો રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું. આ મંદિર મહામેરુ પ્રાસાદ પૂર્ણ સ્વરૂપે બનીને આજે અડીખમ જોવા મળી રહ્યું છે.

સોમનાથની સખાતે નીકળેલા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેનાએ મહમદ બેગડાની સેનાએ સામે લડાઈ લડીને સોમનાથને તુટતુ બચાવવાની લડાઈમાં વીરગતિ પામ્યા ત્યારથી સોમનાથની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને પણ યાદ કરવામાં આવે છે. આજે વેગડાજી ભીલની સોમનાથ ખાતે આવેલી ડેરીમાં તેમના વંશજો દ્વારા તેમની વીરગતિને યાદ કરવામાં આવે છે. સોમનાથના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને આજે પણ યાદ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના આ બે વીર સપૂતોને કારણે સોમનાથ મંદિર આજે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે.