Site icon Revoi.in

દાહોદના રોઝમ ગામે નિર્મણાધિન પાણીની ટાંકીને સ્લેબ તૂટી પડતા 8 શ્રમિકો દબાયા, ત્રણના મોત

Social Share

દાહોદઃ  તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધિન પાણીની ટાંકીનો સ્લેબ ભરવાના કામ દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતા તેની નીચે આઠ મજૂરો દબાયા હતા. જેમાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દાહોદના રોઝમ ગામે પાણી પૂરવઠા વિભાગની નિર્માણાધિન ટાંકી ધરાશાયી થઈ હતી. નિર્માણાધિન ટાંકી ધરાશાયી થતાં 3 વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે પાંચ શ્રમિકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે ચારેતરફ અફરા તફરી મચી જવા પામી હતી. ખરોદા ગામના ગામતલ ફળિયા તેમજ ડુંગરા ફળિયાના 15 શ્રમિકો રોઝમ ગામના હોળી ફળિયામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધિન પાણીની ટાંકીનો સ્લેબ ભરતા હતા ત્યારે સાંજના પાંચ વાગ્યાના સુમારે સ્લેબ અચાનક તૂટતા 15 પૈકી આઠ જેટલા મજૂરો સ્લેબ નીચે દબાઈ ગયા હતાં.  દરમિયાન મોટી સંખ્યામાં ભેગા થયેલા આસપાસના ગ્રામજનો તથા કામ કરી રહેલા અન્ય મજૂરોએ આઠ પૈકી પાંચ જેટલા મજૂરોને હેમખેમ બહાર કાઢી દાહોદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ અન્ય ત્રણ મજૂરો સ્લેબ નીચે દબાયા હોવાથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.  લગભગ બે કલાકની જહેમત બાદ સળિયા કાપી સ્લેબ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ ત્રણેય મૃત્યુ પામ્યા  હતા.

જાણવા મળી રહ્યું છે કે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની ટાંકી બનતી હતી. સ્લેબ નીચે પડતા કેટલાક લોકો ઘવાયા હતા. 40 ફૂટ ઉંચી ટાંકીનો સ્લેબ તૂટતા મજૂરો નીચે દટાયા હતા. જોકે, તમામને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘાયલ લોકોને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.