Site icon Revoi.in

લીમખેડા અને દેવગઢ બારીઆથી ગુમ થયેલા 8 બાળકોને પોલીસે શોધી કાઢીને પરિવારને સોંપ્યા

Social Share

દાહોદઃ  જિલ્લાના લીમખેડા તેમજ દેવગઢ બારીઆ વિસ્તારમાંથી મળી કુલ આઠ બાળકો ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવ અંગે ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસવડાએ સુચના આપતા પોલીસે શોધખોળ અભિયાન આદરીને ગુમ થયેલા આઠેય બાળકોને દાહોદ, લીમખેડા, અને પાવાગઢમાંથી શોધા કાઢીને તેમના પરિવારને સુપરત કર્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાહોદ જિલ્લામાંથી એકજ દિવસમાં આઠ બાળકોને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેઓના વાલી વારસને સુપરત કરવામાં આવ્યાં છે. જેમાં લીમખેડા એકલવ્ય મોડેલ સ્કુલમાં ત્રણ બાળકો ધોરણ 10 માં અભ્યાસ કરતાં હતાં અને બે બાળકો ધોરણ 9 માં અભ્યાસ કરતાં હતાં. આ બાળકો ગતરોજ વહેલી સવારે કોઈને કહ્યાં વગર ક્યાંક ચાલી નીકળ્યાં હતાં. આ અંગેની જાણ તેઓના વાલી વારસ તેમજ લીમખેડાની એકલવ્ય મોડેલ સ્કુલના સત્તાધિશો દ્વારા લીમખેડા પોલીસ મથકે જાણ કરવામા આવી હતી. ત્યારે બીજી તરફ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એકજ પરિવારની ત્રણ બાળકીઓ ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગઈ હતી. આ બંન્ને બનાવોમાં કુલ 8 બાળકો ગુમ થયાંની મીસીંગ કમ્પલેઈન લીમખેડા અને દેવગઢ બારીઆ પોલીસ મથકે નોંધાંવા પામી હતી.

આ અંગેની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડાને થતાં પોલીસ વડા દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. 6 જુદી જુદી ટીમો બનાવી આ આઠેય બાળકોને શોધી કાઢવા સીસીટીવી ફુટેજ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી બસ સ્ટેશનો, મંદિરો, પ્રવાસન સ્થળો, હાટ બજારમાં આવતાં માણસોને ગુમ થયેલા બાળકોના ફોટા તેમજ વર્ણનથી વાકેફ કરી હકીકત મેળવવા સંપુર્ણ પ્રયત્નો હાથ ધરાયા હતા તેમજ નદી, નાળા, કુવા, કોતરો તેમજ જંગલના અંતરિયાળ વિસ્તારોમાં પણ ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી. ત્યારે આ તમામ પ્રયાસોમાં પોલીસને સફળતા મળી હતી. આ 8 બાળકો પૈકી જેમાં લીમખેડાના એકલવ્ય મોડેલ સ્કુલમાંથી બાળકો ગુમ થયાં હતાં તે બાળકો પૈકી બે બાળકોને દાહોદ બસ સ્ટેશન અને ત્રણ બાળકોને લીમખેડા બજારમાંથી શોધી કાઢ્યાં હતાં. ત્યારે દેવગઢ બારીઆ તાલુકા વિસ્તારની એકજ પરિવારની ત્રણ બાળકીઓને પાવાગઢ વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી હતી. આ તમામ બાળકોને તેઓના વાલી વારસને સોંપી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.