અમદાવાદ: ગુજરાતટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સાહસવૃતિ ખીલે તે માટે માઉન્ટ ટ્રેકિંગકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ટેકનીકલ જ્ઞાનની સાથે સ્પોર્ટસ એક્ટિવિટીમાં પણ ઉત્કૃષ્ઠ યોગદાન આપે અને તેઓનું મનોબળ મજબુત થાય તેવા ઉદેશ્ય સાથે યોજાયેલા માઉન્ટ ટ્રેકિંગ કેમ્પમાં જીટીયુ સંલગ્ન 67 કોલેજના 82 વિદ્યાર્થીઓ અને 3 પ્રોફેસરએ ભાગ લીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ટેક્નિકલ જ્ઞાન સહિત રમત-ગમત ક્ષેત્રે પણ સમયાંતરે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તોજેતરમાં જ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે સ્વામી વિવેકાનંદન પર્વતારોહણ સંસ્થામાં જીટીયુના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે 10 દિવસની પ્રાથમિક ખડક ચઢાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 82 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે રમત-ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ કાર્યરત રહેવું જોઈએ. જીટીયુ વિદ્યાર્થીઓને આ પ્રકારની તમામ તકો પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. જીટીયુ દ્વારા પ્રથમ વખત યોજાયેલા આ સાહસિક પ્રવૃતિઓની પાઠશાળા જેવી ખડક ચઢાણ શિબિરમાં જીટીયુ સંલગ્ન 67 કૉલેજના 53 વિદ્યાર્થી, 29 વિદ્યાર્થિની અને 3 સ્ટાફ મેમ્બર સહિત 85 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિરમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને રોક ક્લામ્બિગ, રોક રેપ્લિંગ સહિત આકસ્મિક સંજોગોમાં કોઈ પણ પ્રકારની જાનહાનીને ટાળવા માટે રેસ્ક્યૂ કરીને કેવી રીતે રેપ્લિગ કરવું, આ તમામ પ્રકારની તાલિમનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પહાડી વિસ્તારનું પ્રાકૃતિક જ્ઞાન અને તેની સંસ્કૃતિ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને ટેકનીકલ નોલેજ તો તેમના અભ્યાસમાંથી મળતું જ રહે છે, પરંતુ ફિઝીકલ એક્ટિવિટી તેમને રમતગમત ક્ષેત્રે જ મળે. તે માટે જીટીયુ દ્વારા આ અનોખો પ્રયોગ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો છે.