Site icon Revoi.in

પાણી માટે નહી તરસે સૌરાષ્ટ્ર, 140 જળાશયોમાં 86 ટકા પાણીનો જથ્થો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થતા 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો હતો. જેથી મોટાભાગના જળાશયો છલકાયાં હતા. સૌરાષ્ટ્રના 140 જળાશયોમાં હાલ 86 ટકા એટલે કે 2203 MCFT પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે જો કે, ચાલુ વર્ષે હજુ 86 ટકા પાણીનો જથ્થો હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યાથી પ્રજાને રાહત મળે તેવી શકયતા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ હાલ પુષ્કળ પાણી ભરેલું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના જળાશયોમાં કુલ પાણી સંગ્રહ ક્ષમતા 2539.92 MCFT છે. ગયા વર્ષની સરખામણીમાં હાલ જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો છે. ગયા વર્ષે હાલની સ્થિતિએ 2202.09 MCFT પાણીનો જથ્થો હતો. જેથી સ્થિતિમાં હાલ 42.83 MCFT પાણીનો જથ્થો ઓછો છે. તેમજ આગામી દિવસોમાં પાણીનો વપરાશ અને બાષ્પીભવનને કારણે પાણીનો જથ્થો ઘટવાની શક્યતા છે. જો કે, હાલ જળાશયોમાં પુરતુ પાણી હોવાથી ઉનાળામાં ગરમીના દિવસોમાં પીવાના પાણીની સમસ્યા નડવાની શકયતાઓ ઓછી છે. તેમ છતા પાણીની સમસ્યા ઉભી થશે તો ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવશે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી રાજ્યભરમાં લોકોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરુ પાડવામાં આવે છે. હાલ ડેમમાં 86.28 ટકા ભરાયેલો હોવાનું જાણવા મળે છે. ડેમમાં 8162.20 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જરૂર પડશે તો આગામી દિવસોમાં સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયોને પણ ભરવામાં આવશે.