Site icon Revoi.in

કારમાં ડાર્ક ફિલ્મ અને મોડીફાઈડ સાયલેન્સર સામેની ડ્રાઈવમાં અમદાવાદમાં 9.65 લાખનો દંડ વસુલાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે જુદી જુદી ડ્રાઈવ યોજાતી હોય છે. શહેરમાં હજુ ડાર્ક ફિલ્મ લગાવેલી હોય છે. ઉપરાંત કેટલાક વાહનોમાં મોડિફાઈડ કરેલા સાઈલેન્સર ફીટ કરેલા હોય છે. આથી અવાજના પ્રદુષણમાં પણ વધારો થતો હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં વાહનોમાં ડાર્ક ફિલ્મ અને મોડિફાઈડ સાઈલેન્સર સામે ડ્રાઈવ યોજીને માત્ર સાત દિવસમાં રૂપિયા 9.65 લાખનો દંડ વસુલ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેર ટ્રાફિક પોલીસની 7 દિવસની ડાર્ક ફિલ્મ અને મોડિફાઇડ સાઇલેન્સર સામેની ડ્રાઇવમાં ડાર્ક ફિલ્મના 1617 કેસ દાખલ કરી 8.30 લાખનો દંડ અને મોડિફાઇડ સાઇલેન્સરના 163 કેસ દાખલ કરી 1.34 લાખનો દંડ કરાયો હતો, જેમાં સૌથી વધુ મોડિફાઇડ સાઇલેન્સરના 461 કેસ પશ્ચિમના છે. જ્યારે મોડિફાઇડ સાઇલેન્સરના 91 કેસ કરાયા છે. બીજી તરફ પૂર્વમાં કુલ 185 કેસ અને મોડિફાઇડ સાઇલેન્સરના 16 કેસ કરવામાં આવ્યા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે 6 મેથી 12 મે વિવિધ ઝોનમાં આ ડ્રાઇવ યોજાઈ હતી. તેમાં ટ્રાફિક પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા ડાર્ક ફિલ્મના 461 કેસ અને ઝોન-1 એટલે કે નવરંગપુરા, ઘાટલોડિયા, સોલા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, સાબરમતી રિવરફ્રન્ટ, વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાર્ક ફિલ્મના 221 કેસ દાખલ થયા હતા. જ્યારે એલિસબ્રિજ, સરખેજ, વાસણા, વેજલપુર, આનંદનગર, પાલડી અને સેટેલાઈટ વિસ્તારમાં 196 કેસ નોંધાયા હતા. મોડિફાઇડ સાઇલેન્સર સામેની ડ્રાઇવમાં ટ્રાફિક ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં 16 કેસ, ટ્રાફિક વેસ્ટ પોલીસ સ્ટેશનમાં 91, ઝોન-1 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13, ઝોન-3માં 15, ઝોન-4માં 0, ઝોન-5માં 0, ઝોન-6માં 1 અને ઝોન-7માં 26 કેસો મળી કુલ 163 કેસ દાખલ કરી રૂ. 1.34 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસની સાત દિવસની ઝુંબેશમાં શહેરના મોટા ભાગના પોલીસ સ્ટેશનો દ્વારા કેસ કરવામાં આવ્યા હતા, પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી, રામોલ, ખોખરા, ઓઢવ, ગોમતીપુર, નિકોલ અને બાપુનગર વિસ્તારમાં એક પણ કેસ કરાયો નથી, જેથી પોલીસ કમિશનર આ અંગે ખુલાસો માંગ્યો હોવાનું કહેવાય છે.