Site icon Revoi.in

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2022ની બેચના 9 પ્રોબેશનરી IAS અધિકારીઓએ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના 9 પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ 9 યુવા પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન-સ્પીપામાં પાંચ સપ્તાહની તાલીમ પૂર્ણ કરી છે. આ અધિકારીઓ સ્પીપા સહિતની તાલીમ અંતર્ગત બાવન અઠવાડિયા સુધી વિવિધ જિલ્લાઓમાં તાલીમ માટે જવાના છે. 

તદ્દઅનુસાર, આ નવ આઇ.એ.એસ પ્રોબેશનર્સ તેમને ફાળવાયેલા જિલ્લાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રાંત કચેરી અને જિલ્લા કલેકટરાલયમાં તાલીમ મેળવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવયુવાન પ્રોબેશનર્સ આઇ.એ.એસ ને કાર્યદક્ષતા, નિષ્ઠા અને પ્રામાણિકતાથી કારકીર્દી ઘડતરની શીખ આપી હતી. આ તાલીમી અધિકારીઓ આજે મુખ્યમંત્રીના રાજ્ય સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનો ,નાગરિકોની રજૂઆતો જે પોઝિટિવ એપ્રોચથી ઉકેલતા હતા તે જોઈને અને સમજીને તેમની ફિલ્ડ તાલીમની પ્રથમ શરુઆત કરી હતી. 

મુખ્મંત્રીએ આ યુવાઓને નાની વયે મળેલી આવી આઇ.એ.એસ અધિકારી તરીકેની પ્રતિષ્ઠિત પોસ્ટ-પદ નો ગુજરાતના વિકાસ અને જનહિતમાં ઉપયોગ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. મુખ્યમંત્રીએ આ યુવા પ્રોબેશનર્સ આઇ.એ.એસ ને નીતિ-નિયમો સાથે કુદરતના નિયમોને જાળવીને સેવાદાયિત્વ નિભાવવાનો અનુરોધ પણ કર્યો હતો. આ 9 પ્રોબેશનર્સ મહિસાગર, તાપી, નવસારી, પાટણ, બનાસકાંઠા, દાહોદ, સુરેન્દ્રનગર, અરવલ્લી અને નર્મદા જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે નિયુક્ત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ મુલાકાત વેળાએ સ્પીપા ના મહાનિયામક મોહમ્મદ શાહિદ પણ ઉપસ્થિત રહ્યા હતા.