Site icon Revoi.in

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને લઈને લોકસભામાં બિલ રજુ કરાયું, દોષિતને 10 વર્ષની થશે સજા

Social Share

નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ  અટકાવવા માટે કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, 2024’ રજૂ કર્યું હતું. આ બિલમાં પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનામાં મહત્તમ 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં આ બિલને મંજૂરી આપી હતી. રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આજે તેને ગૃહમાં રજૂ કર્યો હતો. અગાઉ, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત બિલ વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવશે નહીં, પરંતુ સંગઠિત અપરાધ, માફિયા અને મિલીભગતમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

આ બિલમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો પણ પ્રસ્તાવ છે, જે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે. આ એક કેન્દ્રીય કાયદો હશે અને તે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓ અને પરીક્ષાઓને પણ આવરી લેશે. અગાઉ, બજેટ સત્રની શરૂઆતમાં 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિઓને લઈને યુવાનોની ચિંતાઓથી વાકેફ છે. તેમણે કહ્યું, “આ દિશામાં કડકતા લાવવા માટે નવો કાયદો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”