Site icon Revoi.in

બાળવાટિકાના ભૂલકાંઓનું વર્ષમાં બેવાર સર્વગ્રાહી મૂલ્યાંકન કરાશે, અભ્યાસક્રમ તૈયાર કરી દેવાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી જ નવી શિક્ષણનીતિનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધોરણ -1માં પ્રવેશ આપવામાં આવશે. જો કે આ નિર્ણયનો વાલીઓમાંથી વિરોધ ઊઠતા રાજ્ય સરકારે તમામ પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બાળવાટિકાના ભૂલકાં માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ બાળકોનું વર્ષમાં બેવાર સર્વગ્રાહ મૂલ્યાંકન કરાશે.

રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  નવી શિક્ષણ નીતિનો અમલ જૂન-2023થી નવા શૈક્ષણિક વર્ષથી થઈ રહ્યો છે ત્યારે નવા શૈક્ષણિક વર્ષથી સિનિયર કેજી પછી બાળવાટિકામાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે. આ બાળવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે. જોકે બાળવાટિકાના બાળકોની વર્ષના અંતે વાર્ષિક પરીક્ષા જેવી પરીક્ષા નહીં લેવાય પણ બાળકોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને બાળકોને પાસ કરવામાં આવશે. આ મૂલ્યાંકન વર્ષમાં બે વખત થશે.બાળવાટિકનાં બાળકોનું શારીરિક અને માનસિક મૂલ્યાંકન થશે. જોકે તેમની કોઈ લેખિત પરીક્ષા લેવાશે નહીં, પણ નિરીક્ષણના આધારે સર્વગ્રાહી મૂલ્યાંકન થશે. બાળકોને દરેક મહિનામાં અલગ અલગ થીમ આધારિત અભ્યાસ કરાવાશે. એક વર્ષના 11 મહિના દરમિયાન 10 થીમના આધારે બાળકોને અભ્યાસ કરાવાશે. બાળવાટિકાનાં બાળકોનું પ્રથમ મૂલ્યાંકન ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં થશે અને બીજું મૂલ્યાંકન માર્ચ મહિનામાં થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળવાટિકાનાં બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના પુસ્તકો પણ છપાઈ ગયાં છે. પુ્સ્તકો બે ભાગમાં છાપવામાં આવ્યાં છે. એક પુસ્તક જૂનથી ડિસેમ્બર સુધી ભણાવાશે અને બીજું પુસ્તક જાન્યુઆરીથી એપ્રિલ સુધી ભણાવાશે. બાળકોને કયા મહિનામાં કયા પ્રકારનો અભ્યાસક્રમ શીખવાડવો તેનો પણ નિર્ણય લામાં આવ્યો છે.  નવી શિક્ષણ નીતિ પ્રમાણે 1 જૂને 5 વર્ષથી વધુ અને 6 વર્ષ કરતાં ઓછી વયનાં બાળકોને બાળવાટિકામાં પ્રવેશ અપાશે. શિક્ષણ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે,  બાળવાટિકાને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો જ અભ્યાસ કરાવશે અને તેનો સમય પણ પ્રાથમિક શાળા જે સમય દરમિયાન ચાલશે તેટલો રહેશે. ઉપરાંત બાળવાટિકાના બાળકોને મધ્યાહન ભોજનનો પણ લાભ મળશે.