Site icon Revoi.in

નડાબેટ નજીક નડેશ્વર મંદિર જવાના રસ્તા પર ખાનગી એજન્સીએ બેરિકેડ મુકતાં વિવાદ સર્જાયો

Social Share

પાલનપુરઃ ભારત પાકિસ્તાન સરહદ પરના નડાબેટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલીક જવાબદારી એક ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે.ખાનગી એજન્સીએ નડેશ્વરી માતાજીના મંદિર જવાના રસ્તા પર બેરિકેટ મૂકી રસ્તામાં અવરોધ કરતા વિવાદ સર્જાયો છે. એસ ટી બસ સહિતના તમામ વાહનો ટી જંક્શન અંદરથી જવાનો આગ્રહ રખાતાં વિકેન્ડ પર શ્રદ્ધાળુઓમાં રોષ સર્જાયો છે. અધૂરામાં પૂરું ખાનગી એજન્સી દ્વારા નડાબેટ આવતા યાત્રિકો પાસેથી વધુ નાણાં લેવાતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. જો અલાયદો રસ્તો નહીં બનાવાય તો ટુરીઝમને તાળાબંધી કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શ્રીનડેશ્વરી માતાજીના મંદિર નજીક વાઘા બોર્ડરની જેમ નડાબેટ બોર્ડર પર 200 કરોડ રૂપિયાના ખર્ચે વાઘા બોર્ડર જેવું મંદિરની આગળ મ્યુઝિયમ, થિયેટર , સહિત સુશોભન સાથેનું ટી જંક્શન બનાવવામાં આવ્યુ છે. અને તેનો પાંચ વર્ષનો સંચાલન માટેનો કોન્ટ્રાક્ટર એક ખાનગી એજન્સીને આપવામાં આવ્યો છે. જોકે કંપનીએ મંદિરમાં જતો અલાયદો રસ્તો બંધ કરી દેતા હાલ માત્ર મંદિરના દર્શને આવતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

નડેશ્વરી ટેમ્પલ કમિટીના પ્રમુખ હરજીભાઈ રાજપુતએ જણાવ્યું હતું કે “માતાજીનો મુખ્ય રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરાયો છે તે ચાલુ કરવું જોઈએ. ખરેખર નિયમ એવો હતો કે જેને બોર્ડર જવું હોય તેને મુખ્ય રસ્તાની સાઈડમાં પાર્કિંગ બનાવેલું છે ત્યાં પોતાની ગાડીને પાર્ક કરીને કોન્ટ્રાક્ટરની બસમાં બોર્ડર જોવાની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ આ કોન્ટ્રાક્ટર બધાને માતાજીના મુખ્ય રસ્તા આગળ ટાયરો દ્વારા રસ્તો બંધ કરીને રાઉન્ડ મારીને પછી મંદિર બાજુ મોકલે છે જેથી જેને બોર્ડર સુધી ન જવું હોય અને મંદિર આવવું હોય તેને પણ ફરજિયાત પાછળ મોકલે છે તેના લીધે  અડધો કલાકથી પોણો કલાક ટ્રાફિકમાં ફસાવવું પડે છે. અને સમય બગડે છે, સરકારી બસોને પણ ફરજિયાત પાછળ જઈને ફરવું પડે છે. જેથી બસો પણ ટાઇમસર મંદિર પહોંચી શકતી નથી. પૂનમ અને રવિવારએ ભીડ થાય છે માટે મંદિર તરફ જતો મુખ્ય રસ્તા પર બેરીકેટ હટાવવાની માગ ઊભી થઈ છે.  આ મામલે મુખ્યમંત્રી અને પ્રવાસનમંત્રીને નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટીઓએ પણ લેખિત રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં ટુરીઝમને તાળાબંધી કરવામાં આવશે. (file photo)