Site icon Revoi.in

દાહોદમાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ બનાવતી ફેકટરી પકડાઈ

Social Share

દાહોદ: જાણીતી બ્રાન્ડેડ કંપની દ્વારા બનાવાતી વિવિધ ચિજ-વસ્તુઓની આબેહુબ નકલ કરીને ડૂપ્લિકેટ માલ બનાવીને ગ્રાહકોને પધરાવી દેવામાં આવતો હોય છે. આવી જ એક ફેકટરી આદિવાસી એવા દાહોદમાંથી પકડાઈ છે. દાહોદમા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ બનાવવામાં આવતું હતુ. પોલીસે નકલી શેમ્પુ બનાવવાના મુદ્દામાલ સાથે આગ્રાના 8 ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે કંપનીના સિનિયર ઇન્વેસ્ટિગેશન ઓફિસરની ફરિયાદના આધારે કસ્બામાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે જ કેમિકલનો બેરેલ, નમક, તેમજ બ્રાન્ડેડ કંપનીની શેમ્પુની ખાલી બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે રુપિયા 2.20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો..

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાહોદ નજીક નેશનલ હાઈ-વે રોડથી કસ્બા તરફ આવતાં રોડ પર આવેલા એક મકાનમાં પ્રથમ માળે નામાંકિત કંપનીની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી તેનું અસલી તરીકે વેચાણ કરનાર ગેંગનો દાહોદ એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો હતો  જેમાં ઉત્તર પ્રદેશના આઠ જેટલા શખસોને દાહોદ પોલિસે ઓચિતો છાપા મારીને પકડી પાડયા હતા. પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી રૂા. 2,20,818 ના મુદ્દામાલ કબજે કર્યો હતો. દાહોદ સ્મશાન ઘાટ ખાતે રહેતા કુલ 8 જેટલા શખસો સ્ટાન્ડર્ડ બ્રાન્ડની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેંચતા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ કંપનીના જવાબદાર અધિકારીઓને બાતમી મળતા તે કંપનીના મથુરા જિલ્લા અજીત પટ્ટી મગૌરા ગામે રહેતા નરેન્દ્રસિંગ મહાવીરસિંગ કુંત્તલ નામના કર્મચારી દાહોદ ખાતે આવી દાહોદ ટાઉન એ ડીવીઝન પોલિસનો સંપર્ક કર્યો હતો. પોલીસની ટીમને સાથે લઈ દાહોદ હાઈ-વેથી સ્મશાન તરફ આવતાં રોડ પર આવેલી  મીની ફેકટરીમાં ઓચિંતો છાપો મારી સ્ટાન્ડર્ડ કંપનીની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી વેંચનારા આઠ જણાને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ, 7 જેટલા મોબાઈલ ફોન, નમકની થેલીઓ નંગ-22 તથા હોટ ગન વગેરે મળી રૂા. 2,20,818નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.