અમદાવાદઃ ગુજરાતમાં હોસ્પિટલોમાં આગના બનાવો અટકવાનું નામ લેતા નહીં હોવાનું લાગી રહ્યું છે. દરમિયાન અમદાવાદની વધુ એક હોસ્પિટલની આગની ઘટના સામે આવી છે. બારેજાની હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બારેજાની એક હોસ્પિટલમાં કોઈ કારણસાર આગ લાગી હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. આગની ઘટનાને પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. હૉસ્પિટલના બીજા માળે દેખાતા પતરાના શેડમાંથી આગના ધૂમાડા અને વિકરાળ જ્વાળાઓ જોઈને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. હોસ્પિટલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની નવી ફાયર પોલિસી પણ ઘડી કાઢી છે આગામી 26મી જાન્યુઆરીથી રાજ્યમાં લાગુ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.