Site icon Revoi.in

ગૃહ મંત્રાલયના બીજા માળે લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય કાર્યાલયના બીજા માળે મંગળવારે આગ લાગી હતી. જેના કારણે ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. દિલ્હી ફાયર સર્વિસ (ડીએફએસ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. DFSના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયની ઓફિસના IC ડિવિઝનમાં બીજા માળે આગની જાણ થઈ હતી, ત્યારબાદ ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લીધી હતી.

અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં એસી, ઝેરોક્સ મશીન, કેટલાક કોમ્પ્યુટર અને કેટલાક દસ્તાવેજોની સાથે પંખામાં પણ આગ લાગી હતી અને તેને નુકસાન થયું હતું. જે ઓફિસમાં આ આગ લાગી તે IT વિભાગની ઓફિસ હોવાનું કહેવાય છે.

રિપોર્ટ અનુસાર, ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ પહેલા ACમાં લાગી અને પછી ધીમે ધીમે ફેલાઈ હતી. અધિકારીએ કહ્યું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. અધિકારીએ જણાવ્યું કે આગના સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિલ્ડિંગમાં હાજર ન હતા, પરંતુ ઘણા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર હતા.