Site icon Revoi.in

હરિદ્વારમાં સોમવતી અમાસ પર આસ્થાનો સૈલાબ: લાખો શ્રદ્ધાળુઓએ ગંગાજીમાં લગાવી ડૂબકી

Social Share

હરિદ્વાર, 15 જૂન 2026: ધર્મનગરી હરિદ્વારમાં સોમવતી અમાસના પાવન પર્વ પર આસ્થા અને ભક્તિનો અદ્ભુત નઝારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ પ્રખ્યાત ‘હર કી પૌડી’ સહિતના ગંગાજીના તમામ મુખ્ય ઘાટો પર શ્રદ્ધાળુઓનું કીડીયારું ઊભરાયું હતું. દેશભરમાંથી આવેલા લાખો ભક્તોએ પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી પૂજા-અર્ચના કરી હતી. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેક્ટર મયુર દીક્ષિત અને એસએસપી નવનીત સિંહ ભુલ્લરે પોતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવીન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, જ્યોતિષીય ગણતરી મુજબ આશરે ૩૦૦ વર્ષ પછી જેઠ માસમાં આવો દુર્લભ અને પવિત્ર સંયોગ બન્યો છે. ગ્રહોની વિશેષ સ્થિતિ, સોમવતી અમાસ અને અધિક માસનો આ ત્રિવેણી સંગમ પોતાનામાં જ અત્યંત વિશેષ છે. હરિદ્વાર ઉપરાંત પ્રયાગરાજ (ત્રિવેણી સંગમ) અને અયોધ્યામાં સરયૂ તટ સહિતના તમામ તીર્થસ્થળો પર આ દિવસનું વિશેષ મહાત્મ્ય છે.

મહંત રવીન્દ્ર પુરીએ ધાર્મિક વિધિઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે લોકો આખો મહિનો વ્રત રાખે છે, તેમણે આ દિવસે પોતાના પિત્રો-પૂર્વજોના કલ્યાણ અને મુક્તિ માટે તર્પણ અવશ્ય કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તીર્થસ્થાન પર જઈ શકે તેમ ન હોય, તો તે ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને પિતૃઓનું સ્મરણ કરી સ્નાન કરી શકે છે. મહંત રવીન્દ્ર પુરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદર્ભ આપતા કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણએ પીપળાના વૃક્ષને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે. પીપળો એકમાત્ર એવો વૃક્ષ છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે, તેથી જ આપણા ઋષિઓએ તેની પૂજા અને સંરક્ષણની પરંપરા બનાવી છે. આ દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી અભિષેક કરવો અત્યંત શુભ ફળદાયી નીવડે છે.

મેળાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે પોલીસ પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું. એસએસપી નવનીત સિંહ ભુલ્લરે સુરક્ષા માળખાની વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર મેળા વિસ્તારને 6 સુપર ઝોન, 16 ઝોન અને 40 સેક્ટરમાં વહેંચી દેવાયો છે. તમામ સેક્ટરોમાં ડેપ્યુટી એસપી, સીઓ અને ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ તૈનાત કરાયા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે NDRF, SDRF, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તૈનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત BAC અને CPA ની વિશેષ ટુકડીઓ પણ સુરક્ષામાં સહયોગ આપી રહી છે. હાલ હરિદ્વારમાં ભક્તિમય માહોલ, ચુસ્ત સુરક્ષા અને વહીવટી તંત્રની સુદ્રઢ તૈયારીઓ વચ્ચે સોમવતી અમાસનું શાહી સ્નાન કુશળતાપૂર્વક ચાલી રહ્યું છે.

Exit mobile version