Site icon Revoi.in

અમદાવાદમા દાણીલીંબડામાં ફ્લેટ્સમાં આગ લાગતા બાળકીનું મોત, 8 જણાં દાઝ્યાં, 27ને રેસ્ક્યુ કરાયાં

Social Share

અમદાવાદઃ  શહેરના દાણીલીમડા ગામમાં પટેલ વાસ નજીક આવેલા ખ્વાજા ફ્લેટના ગ્રાઉન્ડફ્લોર પરના મીટરમાં ગુરૂવારે વહેલી સવારે આગ લાગી હતી. અને જોતજોતામાં આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને લીધે ફ્લેટ્સના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. આગમાં 15 દિવસની બાળકી સહિત 9 લોકો દાઝી જતાં તમામને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 15 દિવસની બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 8 લોકો સારવાર હેઠળ છે. ફાયરબ્રિગેડની ટીમે 27થી વધુ લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતારી લીધા હતા.

આ આગના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના દાણી લીંબડા વિસ્તારમાં પટેલવાસ નજીક ખ્વાજા ફ્લેટ્સમાં ભોંય તળિયે લગાવેલા મીટરમાં ગુરૂવારે વહેલી પરોઢે આગ લાગી હતી, અને જોતજોતામાં આગ બે માળ સુધી પ્રસરી ગઈ હતી. આગને લીધે બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને આગના બનાવની જાણ કરી હતી. ફાયરબ્રિગેડના ફાયટરોને દોડી આવીને આગ બુઝાવવાની અને આગમાં ફસાયેલા રહિશોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં એક જ પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. જેમાં એક નાની 15 દિવસની બાળકીનું મૃત્યુ થયું છે. જ્યારે છ વર્ષની બાળકી અને તેની માતા હાલ ગંભીર હાલતમાં એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકીના મામા પણ સામાન્ય દાઝી ગયા છે. ખૂબ જ સાંકડી જગ્યામાં બનેલા ફ્લેટમાં પાર્કિંગથી લઈ ચોથા માળ સુધી આગ પહોંચી હતી

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારે વહેલી સવારે 06:15 વાગ્યાની આસપાસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, દાણીલીમડા વિસ્તારમાં ગામમાં આવેલા પટેલ વાસમાં ખ્વાજા ફ્લેટમાં આગ લાગી છે. જેથી જમાલપુર ફાયર સ્ટેશનની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આગ સીડીમાંથી બીજા માળ સુધી ઉપર સુધી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે ફ્લેટના રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો. પાર્કિંગના મીટરમાં આગ લાગી હતી. જેના કારણે પાર્કિંગમાં રહેલું એક્ટિવા અને સાઇકલ પણ બળીને ખાક થઈ ગયાં હતાં. ફ્લેટ ખૂબ જ સાંકડી જગ્યામાં હોવાના કારણે આગ તરત જ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. ફ્લેટના દરવાજા સુધી આગ પહોંચી જતા સ્થાનિક રહીશો બહાર નીકળવા ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી ફ્લેટમાં રહેલા કુલ 27 જેટલા લોકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા.