Site icon Revoi.in

દાણીલીમડા સ્થિત કોર્પોરેશન કચેરીએ ભગવાનના રથનું ભવ્ય સ્વાગત

Social Share

 

અમદાવાદઃ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરની નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પોતાના પરંપરાગત રૂટ ઉપર આગળ વધતા વધતા કોર્પોરેશન કચેરી પહોંચી હતી. અહીં ભગવાન જગન્નાથજીના રથનું તથા મંહત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના પ્રથમ નાગરિકે એવા મેયર કિરીટ પરમાર સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીની પુજા કરી હતી. તેમજ દિલીપદાસજીના આર્શિવચન મેળવ્યાં હતા.

જમાલપુરથી નીકળેલી રથયાત્રાનું ઠેર-ઠેર વિવિધ સંસ્થા અને સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રાના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. દરમિયાન નિયત રૂટ પરથી પસાર થઈને રથયાત્રા દાણીલીમડા સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી હતી. જ્યાં કોર્પોરેશનના સત્તાધીશોએ રથ અને સંતો-મહંતોનું સ્વાગત કર્યું હતું. મેયર કિરીટ પરમાર, દંડક અરુણસિંહ રાજપૂત, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત ભાજપના કોર્પોરેટરો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજ, વિવિધ ઝાંખી દર્શાવતી ટ્રકો, ભજન મંડળીઓ અને અખાડીયનો જોડાયાં છે. રથયાત્રાના રૂટમાં અખાડીયનોએ વિવિધ કરતબો મારફતે લોકોને ધ્યાન ખેંચ્યું હતું. સવારે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ જગન્નાથજી મંદિર પહોંચ્યાં હતા અને ભગવાનના દર્શન કર્યાં હતા. તેમજ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે પહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા.