Site icon Revoi.in

21 વર્ષથી છુટાછેડા માટે લડતા દંપતિ વચ્ચે SCના ન્યાયમૂર્તિના એક વાક્યથી આવ્યો સુખદ અંત

Social Share

દિલ્હીઃ આંધ્રપ્રદેશના એક દંપતિના લગ્ન બાદ સંબંધમાં ખટાશ આવતા વાત છુટાછેડા સુધી પહોંચી હતી. તેમજ 21 વર્ષથી દંપતિ છુટાછેડા માટે લડત આપી રહ્યાં હતા. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દંપતિને એક જ વાત કહી હતી. જેથી પરિણીતાએ અરજી પાછી ખેંચવાની તૈયારી દર્શાવી હતી. તેમજ દંપતિ સાથે રહેવા પણ તૈયાર થયું હતું.

કેસની હકીકત અનુસાર આંધ્રપ્રદેશના એક દંપતિના લગ્ન 1998માં થયા હતા. પરંતુ બંનેના સંબંધોમાં જલ્દી ખટાશ આવી ગઈ, જેના કારણે મહિલાએ 2001માં પતિ વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કર્યો. બંને વચ્ચે મધ્યસ્થતાની કેટલીય કોશિશ કરી પણ નિષ્ફળ રહી. દરમિયાન મહિલાએ દહેજ ઉત્પીડનના મામલામાં પતિને વધારે સજા કરવાની માંગણી સાથે અરજી કરી હતી. અરજીની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પતિ અને પત્નીને વીડિયો કોન્ફરન્સ દ્વારા સામસામે સંવાદ કરાવાની કોશિશ કરી હતી.

મહિલા  અદાલતની કામકાજની ભાષા અંગ્રેજીમાં થોડી અસહજ હતી. જેથી મુખ્ય ન્યાયાધીશે જાતે જ તેલુગુ ભાષામાં વાતચીત કરી અને સાથી ન્યાયાધીશોને પણ તેના વિશે જણાવ્યું. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, જો આપનો પતિ જેલમાં જશે, તો આપને માસિક ભથ્થુ પણ મળશે નહીં, કારણ કે તેની નોકરી જતી રહેશે. આપને તેનાથી શું મળશે.

પતિ તરફથી દલિલ કરી રહેલા વકીલ ડી રામકૃષ્ણાએ કહ્યુ કે, મુખ્ય ન્યાયાધીશે મહિલાને તેલુગુમાં કાયદાની સ્થિતી બતાવી અને સ્પષ્ટ કર્યુ કે, કેદની સજા વધવાથી પતિ-પત્નિ બંનેને નુકસાન થશે. ન્યાયધીશે જણાવ્યુ કે, જો જેલની સજા વધારવામાં આવે તો, આપને શું મળશે. આપનું માસિક ભથ્થુ પણ અટકાઈ જશે.

મહિલાએ મુખ્ય ન્યાયાધીશની સલાહ શાંતિથી સાંભળી અને ત્યાર બાદ પતિ સાથે રહેવા માટે સહમત થઈ ગઈ. જો કે, તેમના એક માત્ર દિકરાને સારી રીતે દેખરેખ રાખવાની પણ શરત મુકવામાં આવી હતી. કોર્ટે પતિ-પત્નિને બે અઠવાડીયામાં અલગ અલગ એફિડેવિટ દાખલ કરવાનું કહ્યુ છે. જેમાં ઉલ્લેખ હોય કે, બંને સાથે રહેવા માગે છે. પત્ની સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં દાખલ અપીલ પાછી લેવા અને પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ ખતમ કરવાની અરજી પર સહમત થઈ ગઈ હતી. આ સાથે પતિ સામે છૂટાછેડાની અરજી પણ પાછી ખેંચી લીધી હતી.