Site icon Revoi.in

ભાવનગર યુનિવર્સિટીના દ્વારા યોજાયેલી ‘રન ફોર તિરંગા’ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયાં

Social Share

ભાવનગરઃ દેશની આઝાદીને 75 વર્ષ પુર્ણ થવાનાં ઉપલક્ષમાં સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઊજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે ભાવનગર યુનિવર્સિટી દ્વારા “રન ફોર તિરંગા” રેલીનું આયોજન કરાયું હતું. આ યાત્રાને ધારાસભ્ય વિભાવરી દવે અને ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહએ તિરંગો ફરકાવીને વિદ્યાર્થીઓની રન ફોર તિરંગા રેલીને  પ્રસ્થાન કરાવ્યું હતું.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતરર્ગત રન ફોર તિરંગા રેલીનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓની તિરંગા રેલી શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પેવેલિયનથી શરૂ કરી સેન્ટ્રલ સોલ્ટ, આઇ.સી.આઇ.સી.આઇ.બેન્ક, ગુલીસ્તા મેદાન, આતાભાઇ ચોક, સંસ્કાર મંડળ, વડોદરીયા પાર્ક, ટી.કે.શહાણે સર્કલ થઇ શામળદાસ આર્ટસ કોલેજ સુધી ફરી હતી. દેશભક્તિનાં આ અવસરે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોનાં વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ધારાસભ્ય વિભાવરી દવેએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતમાં જ્યારે ઊજવણી થઈ રહી છે ત્યારે ભાવનગરમાં પણ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આપણી પેઢીને આઝાદી માટે કંઈક કરવાનો મોકો મળ્યો નથી પરંતુ સુરાષ્ટ્ર માટે આપણે કંઈક કરી શકીશું. દેશ વિદેશમાં ભારતનું ગૌરવ વધારનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલને સમગ્ર દેશે વધાવી લીધી છે ત્યારે ભાવનગરમાં “રન ફોર તિરંગા” રેલીમાં જોડાયેલા યુવાનોને શુભકામના પાઠવી હતી.

ભાવનગરનાં યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, અખંડ ભારત માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનાર નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીની ધરતી પર ઉજવણી થઈ રહી હોઈ ત્યારે ભારતનો ઇતિહાસ જેટલો ગૌરવશાળી હતો એટલી જ ગૌરવશાળી ઉજવણી કરવાનું આપણી પેઢીને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ તકે યુનિવર્સિટીનાં ઇ.ચા.વાઇસ ચાન્સેલર ડો.એમ.એમ.ત્રિવેદી, યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર ડો.કૌશિક ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયા, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ સહિતનાં પદાધિકારીઓ- અધિકારીઓ, વિવિધ વિભાગોનાં ડિનઓ, કોલેજનાં પ્રિન્સિપાલઓ, પ્રોફેસરો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયાં હતા.