Site icon Revoi.in

યોગી સરકારની મોટી પહેલ, હવે રાજ્યના 217 શહેરોમાં મફત વાઇ-ફાઇ ઉપલબ્ધ કરાશે

Social Share

લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના 217 નાના-મોટા શહેરોમાં લોકોને મફત વાઇ-ફાઇ સુવિધા આપવાનું નક્કી કર્યું છે. યુપીના મોટા શહેરોમાં બે સ્થળોએ વાઇ-ફાઇ નેટવર્ક ગોઠવાશે. તો, નાના શહેરોમાં એક જગ્યાએ ફ્રી વાઇ-ફાઇની વ્યવસ્થા હશે. યોગી સરકારનો ઉદ્દેશ એ છે કે, ઓનલાઈન કામ કરવામાં કોઈ જરૂરિયાતમંદને અસુવિધા ન થાય. મફત વાઇ-ફાઇ પ્રદાન કરવા અંગે શહેરી વિકાસ વિભાગે 10 દિવસમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.

217 શહેરોમાંથી જ્યાં મફત વાઇ-ફાઇ આપવામાં આવશે, ત્યાં 17 મહાનગરપાલિકાઓ અને 200 મ્યુનિસિપલ કાઉન્સિલો છે. મહાનગર પાલિકા સાથે મોટા શહેરોમાં બે સ્થળો પર નિઃશુલ્ક વાઇ-ફાઇ ઉપલબ્ધ થશે, જ્યારે 200 નગરપાલિકાવાળા નાના શહેરોમાં ફક્ત એક જ જગ્યાએ વાઇ-ફાઇ પ્રદાન કરવામાં આવશે. આ માટે, એક સ્થાન પસંદ કરવામાં આવશે જેથી દરેકને સુવિધા મળે. એવી જગ્યાની પસંદગી કરવામાં આવશે જે જાહેર સ્થળો છે જેમ કે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કચેરી સહિત અન્ય કોઈ સરકારી વિભાગની કચેરી.

મફત ઇન્ટરનેટની સુવિધા માટે ટેલિકોમ કંપનીઓ સાથે કરાર કરવામાં આવશે. કંપનીઓને સારું ઇન્ટરનેટ આપવું જરૂરી બનશે. ઇન્ટરનેટ શો પીસ બનીને ન રહી જાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. નેટવર્કની સ્પીડ છે કે નહીં તે પર પણ નજર રાખવામાં આવશે. સરકારનું માનવું છે કે, આજના સમયમાં લોકોને ઇન્ટરનેટ આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.