- ઉત્તરપ્રદેશમાં અલકાયદાનો આતંકી ઝડપાયો
- NIAને મળી મોટી સફળતા
- લખનઉમાં બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર
લખનઉ: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ ચાલી રહી છે તે પહેલા તંત્ર એકદમ એલર્ટ મોડ પર છે. આવામાં 10 જાન્યુઆરીએ પહેલા તબક્કાનું મતદાન થાય તે પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ને મોટી સફળતા મળી છે અને એજન્સીએ મતદાનની બરાબર પહેલા જ અલકાયદા સાથે સંકળાયેલા એક આતંકીની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલો આતંકી તૌહીદ અહેમદ શાહ જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાનો રહીશ છે અને તેના પર લખનૌમાં IED વિસ્ફોટનું ષડયંત્ર રચવાનો આરોપ છે. કહેવાય છે કે સંદિગ્ધ આતંકી અલ કાયદા સાથે જોડાયેલો છે. આ મામલે યુપી એટીએસએ લખનૌના ગોમતીનગર પોલીસ મથકમાં 11 જુલાઈ 2021ના રોજ એફઆઈઆર દાખલ કરી હતી. અને તે દરમિયાન 5 આરોપીઓની ધરપકડ થઈ હતી. જેમના વિરુદ્ધ 5 જાન્યુઆરી 2022ના રોજ ચાર્જશીટ પણ દાખલ થઈ.
બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને સુરક્ષાદળો સતત આતંકીઓ માટે કાળ બનેલા છે. તેમના દરેક ષડયંત્ર નિષ્ફળ કરવા માટે પોલીસ દિવસ રાત ઓલઆઉટ ઓપરેશન ચલાવી રહી છે. આ બધા વચ્ચે પોલીસે અનંતનાગ અને સિરગુફવારામાં બે-બે આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. જેમા 3 હાઈબ્રિડ આતંકી સહિત 11 સંદિગ્ધોની ધરપકડ કરાઈ છે. આ સાથે જ પોલીસે ધરપકડ કરાયેલા આતંકી પાસેથી હથિયાર અને ગોળા બારૂદ સહિત આપત્તિજનક સામગ્રી જપ્ત કરી છે.