Site icon Revoi.in

અમરેલીમાં પડતર જમીન ઉપર 1750 વૃક્ષનું મિયાવાકી જંગલ બન્યું

Social Share

અમદાવાદઃ દિનપ્રતિદિન વધી રહેલા ઉષ્ણાતામાન અને જળવાયુ પરિવર્તનની વિપરીત અસરોથી બચવા માટે વૃક્ષારોપણ સહિતના વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો અંતર્ગત વૃક્ષારોપણને વેગ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. અમરેલી શહેરના સીમાડે આવેલા વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે જુદી જુદી સરકારી સહાય અને સરકારી નર્સરીમાંથી વિવિધ છોડ એકઠાં કરી પડતર જમીનનો આદર્શ ઉપયોગ કરવામાં આવ્યો છે. વિઠ્ઠલપુર ગામની ભાગોળે આવેલી પડતર જમીનમાં મિયાવાકી જંગલ તૈયાર કરી અને વિઠ્ઠલપુર ગામે પર્યાવરણ જતનનું ઉત્તમ કાર્ય થયું છે. સરપંચ ભાવેશભાઈ ગોંડલીયાના અથાક પરિશ્રમ અને ગ્રામજનોની પ્રબળ ઈચ્છાશક્તિએ ગાંડા બાવળ હતા તેવી પડતર જમીનમાં 1750 વૃક્ષો સાથે મિયાવાકી જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મિયાવાકી જંગલના વિચારબીજ વિશે માહિતી આપતા સરપંચ ભાવેશભાઈ ગોંડલીયાએ જણાવ્યુ કે, અમને ત્રણ વર્ષ અગાઉ વૃક્ષારોપણનો વિચાર આવ્યો હતો. ગામની નજીક પાણીના ટાંકા પાસેની આ પડતર જમીનમાં ગાંડા બાવળ નીકળી ગયા હતા. અમે આ જગ્યામાં મનરેગા સહિતની યોજના હેઠળ કાર્યો કરી અને મિયાવાકી જંગલ બનાવવાનું નક્કી કર્યુ. આ માટે જરુરી રોપાં વનવિભાગની ધારી નર્સરીમાંથી અમને મળ્યા જ્યારે કેટલાંક રોપાં, સ્વખર્ચે પણ વાવ્યા. હાલમાં અહીં પક્ષીઓને ખોરાકમાં ઉપયોગી થાય તેવાં અનેક ઝાડ છે તો સાથે સાથે આ વૃક્ષો તેમના માટે આસરો પણ બન્યા છે.

ગ્રામજનોને નિરાંતની પળો મળી રહે તે માટે બહાર ગોઠવવામાં આવેલી બેઠક વ્યવસ્થા પણ ગ્રામજનો માટે છાયડો મેળવવા માટેનું એક સ્થળ બની ગયું છે. આ મિયાવાકી જંગલમાં 1.5 વીઘા જમીનમાં ઉમરો, પીપળો, ખાટી-મીઠી આંબલી, વડલાં, જામફળ, સીતાફળ, મીઠી આંબલી કરેણ, આમળા, નીલગીરી, બદામ, રાવણા, સરગવો, ચેર, ગરમાળો, પંદરવો, કરેણ, ચીકુ, આંબા, બોરસલી, કટગુંદી, ગુંદા, વડ, પીપળો, બાંબુ, સહિતના વૈવિધ્ય સભર વૃક્ષો વાવવામાં આવ્યા છે.

મિયાવાકી જંગલમાં મળેલી સરકારી સહાય વિશે સરપંચએ ઉમેર્યુ કે, જંગલના નિર્માણ માટે નર્સરીમાંથી નિ:શુલ્ક છોડ, મજૂરી, ફેન્સિંગ સહિતનાં કામો માટે સરકારી સહાય પણ મળી છે. મનરેગા યોજના હેઠળ આ કાર્ય દરમિયાન 576 માનવદિનનું સર્જન થયું છે જ્યારે અત્યાર સુધી રુ. 1.31 લાખનો ખર્ચ થયો છે. હાલ આ કામ શરુ છે અને આગામી ત્રણ વર્ષ સુધી વૃક્ષોની જાળવણી, નિભાવવાની તેમજ જરુરિયાત મુજબ વૃક્ષોને પાણી પીવડાવવાની કામગીરી, સમયાંતરે નિંદામણની કામગીરી થતી રહે છે. દરેક ગામમાં આવી સરકારી પડતર જમીનો હોય છે જેનો ઉપયોગ વૃક્ષારોપણ માટે કરી અને પ્રકૃતિનું જતન કરી શકાય છે. હાલ આ મિયાવાકી જંગલ વિકસી રહ્યું છે અને વિઠ્ઠલપુર ગામના લોકો માટે વિરામ સ્થળ બન્યું છે ત્યારે આગામી સમયમાં આ કડીના ભાગરુપે ગ્રામપંચાયત દ્વારા વધુ વૃક્ષો વાવવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.