Site icon Revoi.in

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટના ભાવ સાથે છેડછાડ કરાતા ટ્રાવેલ્સ એજન્સી સામે પોલીસ ફરિયાદ

Social Share

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરીને વધુ કિંમતે ટિકીટ વેચાણ કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયુ છે. સુરત સ્થિત ટ્રાવેલ માર્ક નામની એજન્સી દ્વારા પ્રવાસીઓને વધુ ભાવ લઇને ટિકીટમાં છેડછાડ કરીને પધરાવી દેવામાં આવેલી 12 જેટલી ટિકીટ ઝડપાઇ હતી. આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ટ્રાવેલ્સ એજન્ટની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું..

સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસદં બની ચૂકયું છે, ત્યારે કેટલાક ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકીટોમાં છેડછાડ કરી પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરી વધુ પૈસા પડાવવાનો ગોરખધંધો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફે જ પકડયો હતો.સુરતનાં 12 જેટલા પ્રવાસીઓ વ્યુઈંગ ગેલેરીની ટિકીટ મારફતે ચેકિંગ પોઈન્ટ પરથી પ્રવેશ કરતા હતા. તે સમયે ડયુટી પર રહેલા કર્મચારી દ્વારા બારકોડ સ્કેન કરતા સમયે ટિકીટ ધ્યાનથી જોતા માલુમ પડ્યુ હતુ કે, ટીકિટનાં દરમાં છેડછાડ થયેલી છે. વાસ્તવમાં આ ટિકીટનો દર વયસ્ક માટે . 380 હોવો જોઈએ તેના બદલે 410 છપાયેલ હતો, અને બાળકની ટિકીટનો દર 230 હોવો જોઈએ તેના બદલે 260 છપાયેલ હતો. ધ્યાનથી જોતા ટિકીટમાં છેડછાડ થયેલી હોવાનું સ્પષ્ટ્ર થતા આ અંગે ફરજ પર હાજર કર્મચારીઓ અને સીઆઈએસએફનાં જવાનોએ SOUADTGAનાં ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોયુ હતું. આ ટીકિટ સાથે આવેલા પ્રવાસીઓની પૂછપરછ કરતા આ ટિકીટ તેઓએ ટ્રાવેલ એજન્સી ટ્રાવેલ માર્ક પાસેથી બૂક કરાવી હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી આ અંગે અધિકારીઓ તરફથી મળેલી સુચના પ્રમાણે SOUADTGA ખાતે ફરજ બજાવતા કોન્ટેબલ શાંતિલાલ તડવીએ કેવડીયા પોલીસ સ્ટેશનમાં યોગ્ય ધારા–ધોરણ મુજબ ફરિયાદ નોધાવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ તરફથી તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવી છે કે, વેબસાઈટ www.soutickets.in.. પરથી જ ટિકીટ બૂક કરાવવાનો આગ્રહ રાખવો,અને એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટીકિટ બૂક કરાવી શકાશે