Site icon Revoi.in

પોલીસ દ્વારા લોકોપયોગી એપ બનાવાશે, બધી માહિતી આંગળીના ટેરવે મળી જશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતનું ગૃહમંત્રાલય પણ હવે ડીજીટલ બની રહ્યું છે અને પોલીસ સહિતની અનેક સેવાઓ હવે લોકોને સરળતાથી મળશે. એટલુ જ નહી કોઇપણ ફરિયાદ નોંધાવવા માટે લોકોએ કયાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તે પોતાના મોબાઈલની એપ્લીકેશનથી જાણી શકાશે, રાજય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને શ્રેષ્ઠ બનાવવા માટે હવે ડિજીટલ પઘ્ધતિનો આશ્રય લેવાય રહ્યો છે. હાલમાં જ ટ્રાફિક સહિતના દંડની વસુલાત પણ ડિજીટલ ધોરણે કરવામાં આવી છે. પરંતુ રાજય સરકાર ટુંકમાં તેની અનેક સેવાઓ ઇ-બેલેટ મારફત મળે તેવી પણ તૈયારીઓ કરી રહી છે. જેમાં ગૃહ વિભાગ સૌથી આગળ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ગૃહ વિભાગ લોકોની સુવિદા માટે એક એપ્લીકેશન બનાવવામાં આવી રહી છે.  જેમાં રાજયના તમામ પોલીસ મથકોની માહિતી હશે. એટલુ જ નહી તેનો અધિકાર ક્ષેત્ર એટલે કે કયા પોલીસ મથકની હદ કયાં સુધી છે તે માહિતી મળી જશે અને તમે તમારૂ એડ્રેસ અથવા તો ગુના કે અકસ્માતનું સ્થળ તેમાં અપલોડ કરો કે તૂર્ત જ તમારે કયા પોલીસ મથકનો સંપર્ક કરવો તેની માહિતી મળી જશે. દરેક પોલીસ સ્ટેશનના ફોન નંબર પણ હશે. આ ઉપરાંત ગૂમ થયેલા વ્યકિત, અજાણ્યા મૃતદેહો મળે છે, તેની માહિતી પણ મળી રહેશે.

આ ઉપરાંત પાસપોર્ટ કે અન્ય મહત્વના દસ્તાવેજો ખોવાયા હોય કે વાહન ખોવાયુ હોય તો તેની માહિતી પણ આ એપમાંથી  મળી જશે. ઉપરાંત તમે પોલીસમાં કે ગૃહ વિભાગમાં કોઇ અરજી કરી હશે તો તેનું સ્ટેટસ પણ ઓનલાઇન જાણી શકાશે. આ ઉપરાંત પોલીસ વિભાગ પાસે વિવિધ મંજૂરીઓ માંગવામાં આવે છે તો તે તમે ઓનલાઇન માંગી શકશો. તમે તેની ફી પણ ડિજીટલ રીતે ભરી શકશો તથા ગૃહ વિભાગની અન્ય માહિતીઓ પણ મળી શકશે.